ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયતની વોર્ડ નં. ૧ બેઠક પર એક અનોખો અને પ્રેરણાદાયક સંયોગ જોવા મળ્યો, જેમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞાબેન હર્ષદભાઈ પટેલે વ્યક્તિગત જીવનની મહત્વપૂર્ણ જવાબદારી અને જાહેર જીવનની ફરજ બંનેને સફળતાપૂર્વક નિભાવીને નોંધપાત્ર જીત મેળવી છે. ચૂંટણી 26 તારીખે યોજાઈ હતી, અને એ જ દિવસે તેમની દીકરી કિંજલના લગ્ન પણ નિર્ધારિત હતા. લગ્નની તારીખ બે-ત્રણ મહિના અગાઉથી નક્કી થઈ ગયેલી હોવાથી તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો, જ્યારે બીજી તરફ પક્ષ અને સમર્થકોના આગ્રહને માન આપી તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો.
લગ્નની વિધિઓ અને ઘરની વ્યસ્તતા વચ્ચે તેઓ ચૂંટણીના દિવસે તેમજ તેના અગાઉના મહત્વના દિવસોમાં ઘરની બહાર નીકળી શક્યા નહોતા. છતાંય તેમની ગેરહાજરીમાં પણ મજબૂત અને સંકલિત ટીમે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે સંભાળી હતી. સૂરજ પટેલ, ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ, મુસ્તાન વ્હોરા, મહેશ ભાનુશાલી, અંકુર શુક્લા, ધર્મેશ ભરૂચા સહિતની સમગ્ર ટીમે સુચિંતિત માઇક્રો પ્લાનિંગ, કાર્યકરોનું યોગ્ય સંકલન અને મતદાતાઓ સુધી અસરકારક પહોંચ દ્વારા પ્રચાર અને મતદાન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સઘન આયોજન અને ટીમવર્કનું પરિણામ એવું આવ્યું કે જીજ્ઞાબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન પટેલને 406 મતોથી હરાવી સ્પષ્ટ વિજય મેળવ્યો. જે આ બેઠક પર પાછલી ચૂંટણીઓમાં અત્યાર સુધીની સૌથી મોટી લીડ છે. આ જીત માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે એક મજબૂત અને પ્રતિબદ્ધ ટીમની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. સાચી દિશામાં કાર્યરત અને સંકલિત ટીમ હોય તો અનુકૂળ પરિસ્થિતિ ન હોવા છતાં પણ ધાર્યું પરિણામ મેળવી શકાય છે તે આ ઘટનાએ સાબિત કર્યું છે.
હાલમાં ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે તથા તાલુકા ભાજપમાં વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવનારા જીજ્ઞાબેન પટેલે પોતાની જીત માટે આ ટીમ, તમામ કાર્યકરો અને મતદાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મતદાતાઓએ તેમના પર મૂકેલા વિશ્વાસને તેઓ ચોક્કસ રીતે સાર્થક કરશે અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેશે.
