ડાંગમાં રાજકીય રસાકસી: સાસુ સામે વહુ ચૂંટણી મેદાનમાં: સામાન્ય રીતે ટીવી સિરિયલોમાં જોવા મળતા સાસુ-વહુના તણાવ હવે વાસ્તવિક રાજકારણના મેદાનમાં જીવંત થઈ ગયા છે.

ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે રાજકારણમાં એક અનોખો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. સુબીર-16 જિલ્લા પંચાયત બેઠક પર એવી ટક્કર જામેલી છે કે જે સામાન્ય રાજકીય સ્પર્ધાથી આગળ વધી પરિવારિક સંબંધોને પણ રાજકીય રંગમાં રંગી રહી છે.
સુબીર તાલુકાની આ બેઠક આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. કારણ કે અહીં એકબીજાની સામે ઊભા છે સાસુ અને વહુ. સામાન્ય રીતે ટીવી સિરિયલોમાં જોવા મળતા સાસુ-વહુના તણાવ હવે વાસ્તવિક રાજકારણના મેદાનમાં જીવંત થઈ ગયા છે.
એક તરફ કોંગ્રેસએ અનુભવી સાસુ પર દાવ લગાવ્યો છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ તેની જ વહુને ઉમેદવાર બનાવી આ ચૂંટણીને વધુ જ રસપ્રદ બનાવી દીધી છે. આ પરિસ્થિતિએ મતદારોમાં પણ કુતૂહલ વધાર્યું છે કારણ કે અહીં માત્ર રાજકીય વિચારધારા નહીં, પરંતુ પરિવારિક સંબંધોની પણ કસોટી થઈ રહી છે.
હાલમાં બંને પક્ષના ઉમેદવારો ગામે ગામ ફરી રહ્યા છે, જનસભાઓ કરી રહ્યા છે અને ઘરેઘરે જઈને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે પુરજોશ પ્રયાસ કરી રહ્યા છે. સાસુ-વહુ વચ્ચેનો આ મુકાબલો હવે માત્ર ચૂંટણી નથી રહ્યો, પરંતુ લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. “કોણ જીતશે?” એ સવાલ દરેકના હોઠ પર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!