બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વલસાડના પી.ડી. પટેલનો ભવ્ય વિજય: BCG ના ચેરમેન પદની રેસમાં

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતના અંદાજે સવા લાખ વકીલોની માતૃસંસ્થા ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. ૬ માર્ચે યોજાયેલ પ્રતિષ્ઠિત ચૂંટણીના પરિણામો જાહેર થતા વલસાડ જિલ્લા વકીલ મંડળના પી.ડી. પટેલે ભવ્ય અને ઐતિહાસિક વિજય મેળવી ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. છેલ્લા ૨૪ વર્ષથી વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે સતત વિશ્વાસ જીતતા આવતા પી.ડી. પટેલે આ વખતે પણ સમગ્ર ગુજરાતના વકીલોનો વિશ્વાસ પ્રાપ્ત કરીને નોંધપાત્ર જીત હાંસલ કરી છે.
પી.ડી. પટેલ અગાઉ સન ૨૦૧૮માં પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જીતી ચૂક્યા છે અને વાઈસ-ચેરમેન તરીકે તેમજ વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ઉપરાંત તેઓ સમગ્ર ગુજરાતના નોટરીઓની સંસ્થા “નોટરી એસોસિયેશન ઓફ ગુજરાત”ના બિનહરીફ પ્રમુખ તરીકે પણ પસંદ થઈ ચૂક્યા છે અને હાલ પણ તે પદ પર કાર્યરત છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી દર છ વર્ષે યોજાતી હોવા છતાં આ વખતે આઠ વર્ષે યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે ૯૯ જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં રાજ્યભરના વકીલો દ્વારા મતદાન કરવામાં આવે છે અને તેમાંમાંથી કુલ ૨૩ સભ્યોની પસંદગી થાય છે. આ કડક સ્પર્ધામાં પી.ડી. પટેલે ફરી પોતાની મજબૂત દાવેદારી નોંધાવી અને અમદાવાદ હાઇકોર્ટ ખાતે થયેલી મતગણતરીમાં ભવ્ય વિજય મેળવ્યો.
વિશેષ નોંધનીય બાબત એ છે કે પી.ડી. પટેલે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ પ્રેફરન્સ (એકડા)ના મત મેળવવામાં ત્રીજો ક્રમ મેળવી અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. આ જીત સાથે તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં બીજી વખત વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે.
તેમના આ વિજયને પગલે સમગ્ર ગુજરાત તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વકીલોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અનેક સ્થળોએ વકીલો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવાયો અને પી.ડી. પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે જ હવે તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પદે બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે પી.ડી. પટેલે સમગ્ર ગુજરાતના વકીલો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સમર્થકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તમામ વકીલ મિત્રોનો બુલંદ અવાજ બની રહેશે અને વકીલ સમાજના હિત માટે સદૈવ કાર્યરત રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!