યોગ ચમત્કાર સર્જે છેઃ કિડની, ટ્યુમર, ઘૂંટણનો ઘસારો, બ્રેઈન સ્ટોક, મણકામાં ક્રેક, સુગર, પ્રેશર અને કોલેસ્ટ્રોલ સહિતની બિમારીમાંથી મળી અનેક લોકોને રાહત: વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત નિઃશુલ્ક યોગશાળા બની સ્વસ્થ જીવનનો આધાર

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘કોઈ કહે કે, પહેલા હું મારા માથાના વાળ બાંધી શકતી ન હતી, કોઈ કહે કે, પહેલા હું પગપાળા ચાલી શકતી ન હતી, પલાઠી વાળી બેસી શકતી ન હતી, તો કોઈ કહે કે, પહેલા મને ફ્રોઝન સોલ્ડરની તકલીફ હતી. કોઈનું કહેવુ છે કે, પહેલા મને સુગર, પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારે રહેતુ હતું.’’ આવી એક બે નહીં પરંતુ અનેક ફરિયાદો દર્દીઓને રહેતી હતી પરંતુ જ્યારથી યોગ, પ્રાણાયામ અને ધ્યાનને જીવનનો ભાગ બનાવ્યો ત્યારથી આ સમસ્યાઓ ગાયબ થઈ ગઈ અને તકલીફમાંથી રાહત મળી. હવે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. આજે તા. ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે વાત કરીશુ વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના એવા અનેક દર્દીઓની કે જેઓએ યોગનો માર્ગ અપનાવી અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ધરોહર અને અમૂલ્ય વારસો છે.
જેના જતન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અથાગ પ્રયત્નો થતા યુનાઈટેડ નેશન્સ દ્વારા તા. ૨૧ જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દરેક યોગીઓ માટે આજનો આ દિવસ કોઈ તહેવારથી કમ નથી. ત્યારે યોગના કારણે અનેક લોકોની જીંદગીમાં ચમત્કાર સર્જાયો છે તેના વિશે જાણીશુ પાંચ પ્રેરણાત્મક કહાની.

કિડનીમાં ટ્યુમર હોવાથી શરીર હલન ચલન કરતુ ન હતું, યોગાથી હવે નોર્મલ લાઈફ જીવુ છુંઃ મીના આલોન્દ્રા

વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં યોગા કરતા ૪૬ વર્ષીય મીના આલોન્દ્રા કહે છે કે, મને ડાબી બાજુ કિડનીમાં કેન્સરની ૧૨ એમએમ ટ્યુમર હતી, જે અંદરથી ખુલી જતા કિડની દેખાતી ન હતી. સ્થાનિક ડોકટરથી માંડીને અમેરિકા સુધી મેડિકલ રિપોર્ટ મોકલ્યા બાદ મુંબઈની જાણીતી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. ૯ માસ બાદ ડાબી કિડનીમાં પાણી ભરાતા ડાબી બાજુનો શરીરનો ભાગ હલન ચલન કરતો ન હતો. જેથી ડોકટરે યોગ કરવાની સલાહ આપતા હું છેલ્લા ૯ માસથી અહી નિયમિત યોગ કરવા આવુ છું જેમાં મને ભૂજંગાસન, વક્રાસન, શશાંકાસન, પદ્માસન અને પાદહસ્તાન સહિતના આસનથી ફાયદો થતા હું હવે નોર્મલ લાઈફ જીવુ છુ. જે બદલ હું વડાપ્રધાનશ્રી મોદીજીનો આભાર માનુ છુ.

પહેલા હું માંડ બે કિમી પણ ચાલી શકતી ન હતી, હવે હુ ૨૧ કિમીની નર્મદા પરિક્રમા કરી આવીઃ ઉષાબેન સોલંકી

વલસાડના નનકવાડા ખાતે મધુબન રો-હાઉસમાં રહેતા ૬૧ વર્ષીય ઉષાબેન સોલંકી કહે છે કે, મને ઘૂંટણમાં ઘસારાની તકલીફ હતી, હું પલાઠી વાળીને બેસી પણ શકતી ન હતી. સુરતના તબીબે ઓપરેશન કરવા કહ્યુ પરંતુ મને વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં નિઃશુલ્ક યોગા કલાસની જાણ થતા હું નિયમિત આવી અને હવે હું ઉષ્ટ્રાસન અને સર્વાંગાસન કરી શકુ છું. મારૂ વજન પણ ૧૦ કિલો ઘટ્યુ છે. પહેલા હું માંડ બે કિમી પણ ચાલી શકતી ન હતી. હવે હું ૨૧ કિમીની નર્મદા પરિક્રમા પણ કરી આવી છું. મારા જીવનમાં આ ખુશી યોગના કારણે મળી છે.

બ્રેઈન સ્ટ્રોક આવતા ચહેરો વાંકો વળી ગયો હતો, હવે સ્વસ્થ જીવન જીવુ છુંઃ પુષ્પાબેન મકવાણા

વલસાડના નનકવાડા ખાતે ગોયા તળાવમાં રહેતા ૬૧ વર્ષીય પુષ્પાબેન મકવાણા જણાવે છે કે, પહેલા મારૂ સુગર ૨૫૦ થી ૩૦૦ સુધી રહેતુ હતું. બ્રેઈન સ્ટોક આવતા મારો ચહેરો પણ વાંકો વળી ગયો હતો. ફ્રોઝન સોલ્ડરની પણ તકલીફ થઈ હતી. પડોશી બહેને સરકારી આયુર્વેદમાં ચાલતા નિઃશુલ્ક યોગા કલાસની જાણ કરતા હું નિયમિત આવતી થઈ અને યોગગુરૂ કવિતાબેને ૭ માસ સુધી મંડુકઆસન અને ગૌમુખ સહિતના આસનો કરાવતા મારો સુગરનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.

મણકામાં ક્રેક આવતા માથાના વાળ બાંધી શકતી ન હતી, નિયમિત યોગાથી ફાયદો થયોઃ મયુરી કંટારીયા

વલસાડના તિથલ રોડ પર દેવાશિષ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય મયુરીબેન કંટારીયા જણાવે છે કે, હું ઘરમાં પડી જતા ચોથા મણકામાં ક્રેક આવ્યુ હતું. જેથી હું મારા વાળ બાંધી શકતી નથી, ગરબા રમી શકતી ન હતી. પરંતુ અહીં નિયમિત યોગા કરવાથી મને ઘણો ફરક પડ્યો અને હવે હું નિયમિત ઘરનુ બધુ કામ કરી શકુ છું, જે બદલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને યોગગુરૂ કવિતાબેનનો આભાર માનુ છું.

બ્રેઈન ટ્યુમર, સુગર, પ્રેશર અને થાઈરોઈડની બિમારીમાંથી યોગ-પ્રાણાયામથી રાહત મળીઃ યામીની પટેલ

વલસાડના તિથલ રોડ પર અમરપાર્ક સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષીય યામીનીબેન પટેલ કહે છે કે, વર્ષ ૨૦૨૧માં મારી બ્રેઈન ટ્યુમરની સર્જરી થઈ હતી. સુગર, પ્રેશર અને થાઈરોઈડની દવા ચાલુ હતી પરંતુ બે વર્ષથી નિયમિત યોગા કરતા હમણાં તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. જેમાં ખાસ કરીને મને યોગ અને પ્રાણાયામથી ખૂબ જ ફાયદો થયો છે.

લોકોને યોગથી ફાયદો થતા દિવસે દિવસે સંખ્યા વધી રહી છેઃ યોગગુરૂ કવિતા ચૌહાણ

વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત નિઃશુલ્ક યોગ કલાકના યોગગુરૂ કવિતાબેન ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે સમસ્ત વિશ્વ યોગ દિન ઉજવી રહ્યુ છે. તા. ૨ જાન્યુ. ૨૦૨૫ના રોજ વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય ઉર્વીબેન સી.પટેલના માર્ગદર્શન હેઠળ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે જોઈનીંગ કર્યુ ત્યારે માંડ ૬ થી ૭ લોકો આવતા હતા પરંતુ ધીમે ધીમે લોકોને ફાયદો થવા લાગ્યો અને લોકો સુધી વાત પ્રસરતા માઉથ પબ્લીસીટીથી સંખ્યા વધવા લાગી. છ માસમાં ૫૫ લોકો યોગ સાથે જોડાયા છે. દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. રોજ શરીરના અલગ અલગ ભાગોના આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. ખાસ કરીને અહીની આયુર્વેદ હોસ્પિટલના દર્દીઓને ઘણી રાહત થઈ છે. આયુર્વેદ હોસ્પિટલનું યોગા ગૃપ સેવા કાર્ય પણ કરે છે, આદિવાસી અંતરિયાળ સ્કૂલોમાં નવી પેઢીને યોગા શીખવી યોગના ફાયદા સમજાવી ઘર ઘર સુધી યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ સુવિધા ઉપલ્બ્ધ કરાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનુ છુ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!