નાણામંત્રી કનુભાઈ દેસાઈની એ ખાસિયત કે જેને લીધે વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે તેમની તુલના માજી વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે કરવી પડી?

ગુજરાત એલર્ટ|વલસાડ
માજી વડાપ્રધાન મોરારજી દેસાઈ પછી આપણને પહેલાં એવાં નાણામંત્રી મળ્યાં છે જેમને વિરોધ પક્ષ પણ સન્માનની નજરે જુએ છે. કનુભાઈની કાર્યશેલી સૌથી અલગ છે. કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગેરમાર્ગે ન દોરે તે માટે તેઓ સચિવોને પણ માર્ગદર્શન આપતાં હોવાનું જણાવી વલસાડ ખાતે યોજાયેલાં સ્નેહમિલન સંમેલનમાં ગૌરવ અનુભવતાં વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું.
આજરોજ સાંજે 6 કલાકે વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસસ્થાને ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલાં વલસાડ વિધાનસભાના સ્નેહ સંમેલનમાં આશીર્વચન આપ્યાં બાદ કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે ભારતની સાથે જો કોઈ હોય તો ભાજપ છે. ભાજપ છે તો ભારત છે. 2024 આપણાં માટે ઉત્સવ લઈને આવી રહ્યો છે. અને એ ઉત્સવ આપણે એવી રીતે ઉજવવાનો છે કે સૌ કોઈ યાદ રાખે. ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજે પણ સૌને નવા વર્ષમાં આશીર્વચન આપ્યાં હતા.

સંમેલનના મુખ્ય મહેમાન રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે મોદીજીનો ઉમદા ઉદ્દેશ છે કે જે પણ સરકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ નાનામાં નાના છેવાડાનાં માણસને મળવો જોઈએ અને જો એ આપણે કરીશું તો આપણને તો આશીર્વાદ મળશે જ, પરંતુ સમગ્ર દેશમાં એક સંવાદિતાનું વાતાવરણ ઊભું થશે. નરેન્દ્રભાઈ વારંવાર એમની સ્પીચમાં કહે છે કે 2024 થી 2029 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે. ત્યારે આપણે એ સમયમાં છે કે આખા દેશમાં સંપૂર્ણ વિકાસ 24 થી 29 માં થવાનો છે, એટલે આપણે બધાએ વધુમાં વધુ મતદાન કરાવવા માટે આજથી પ્રયત્ન કરવો જોઈએ.

ધારાસભ્ય ભરતભાઈ પટેલે નવા વર્ષમાં સૌ કાર્યકર્તાનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે કાર્યકર્તા છે તો પાર્ટી છે. વિશાળ કાર્યકર્તાના જૂથને લીધે પાર્ટી ઊભી છે. સંગઠનનો જે આદેશ મળે એનું નિસ્વાર્થ ભાવે કામ કરતા કાર્યકર્તાઓને મે જોયા છે. એ કાર્યકર્તાઓના સન્માન માટે આજે આ સંમેલન રાખવામાં આવ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં વલસાડ વિધાનસભા 1.50 લાખ મતોની લીડ આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાંસદ ડૉ. કે.સી. પટેલે 5 લાખથી વધુ મતથી જીતવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના આહવાનમાં સૌને સહભાગી બનવા હાકલ કરી હતી. વલસાડ જિલ્લા ભાજપના પ્રભારી ડો. મહેન્દ્ર પટેલે પાર્ટી કાર્યકરોને પરિવાર માને છે એટલા માટે પરિવાર સાથે મળવાનું રાખે છે. આ એક જ પાર્ટી છે જે દિવાળી પછી કાર્યકરોને મળે છે. એમ કહી પક્ષની મહત્વતા સમજાવી હતી.

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પારિવારિક ભાવનાથી જોડાયેલી છે. આપણે ઘરમાં છાતી ઠોકીને કહી શકીએ છીએ કે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો ઉપરાંત વલસાડ તાલુકાના સરપંચો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!