વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ: મતદાનના દિવસે કોઈ પણ મતદારોને બુથ પર અગવડતા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી

ગુજરાત એલર્ટ । વલસાડ
૨૬- વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મતદારો નિર્ભિક અને ભય મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાનના દિવસે કોઈ પણ મતદારોને મતદાન મથક પર અગવડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછુ મતદાન થયુ હતુ તેવા ૧૩૫ બુથ આઈડેન્ટીફાઈ કરી મતદાન વધારવા માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં સી-વીજીલ એપ અને કંટ્રોલરૂમ પર જે પણ ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદનો નિકાલ કરાયો છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો વધુ હોવાથી ફેક્ટરી-કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ કર્મચારી તા. ૭ મે ના રોજ મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરાઈ છે. તેઓ મતદાન કરવા જાય તે માટે મતદાનના દિવસે ફેકટરી-કંપનીઓમાં ટીમ દ્વારા તપાસ પણ કરાશે. મતદારોને કોઈપણ અગવડતા ન પડે તેની કાળજી રાખવામાં આવી છે. હીટ વેવ સંદર્ભે પણ આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે. જેથી મતદાન મથકે મેડિકલ કીટ ઉપલબ્ધ કરાશે. આ સિવાય મતદારો માટે પાણી, છાંયડામાં બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરી દેવાયું છે. વલસાડ બેઠક પર સાત ઉમેદવાર અને એક નોટા એમ કુલ ૮ સાથેનું બેલેટ પેપર તૈયાર કરી ઈવીએમમાં કમિશનિંગ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે એમ કહ્યું હતું. ૮૫ વર્ષથી વધુ વયના મતદારો કે જેઓ બુથ પર આવી શકે તેમ ન હોય તેઓના ઘરે જઈ મતદાન કરાવવાની કામગીરી પણ આજથી શરૂ થઈ ચૂકી છે. દિવ્યાંગ મતદારોને બુથ પર મદદ મળી રહે તે માટે એનસીસીના ૧૮ વર્ષથી નીચેના ક્રેડેટ પણ સેવામાં હાજર રહેશે.

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં સૌથી વલસાડ જિલ્લામાં પરવાના ધરાવતા ૬૦૩ હથિયાર જમા કરાયા છે. ૩૨૪ બુટલેગરો, ૩૭ હિસ્ટ્રી શીટરો, ૨૯ સક્રિય ગુનેગારો, એનડીપીએસના ગુનાના ૨૯ આરોપી અને મિલકત સંબંધી ગુનાના ૪૬ આરોપી સહિત કુલ ૭૨૪૪ આરોપીઓ વિરૂધ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. ૧૭ આરોપી વિરૂધ્ધ તડીપાર અને ૧૪ વિરૂધ્ધ પાસાના અટકાયતી પગલા લેવાયા છે. દારૂના ગુનામાં જામીન મેળવ્યા બાદ ફરી દારૂની પ્રવૃતિ ચાલુ કરતા ૧૦૪ આરોપીના જામીન રદ કરાવવા તેમના વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૧૨૨ની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ૧ આરોપીના જામીન રદ કરી જેલ હવાલે કર્યો છે. પ્રોહિબિશનના ૨૫૮૦ કેસ કરી ૨ કરોડ ૯૪ લાખનો ૨૨૧૨૭ લીટર દારૂ જપ્ત કરી ૨૫૯૧ની અટક કરવામાં આવી છે. ૩૨ ચેક પોસ્ટ પર ડ્રંક એન્ડ ડ્રાઈવના ૨૦૮ અને પ્રોહિબિશનના ૭૮૦ કેસ કરાયા છે. ૧૬ માર્ચથી અત્યાર સુધીમાં વિવિધ ગુનામાં નાસતા ફરતા ૯૭ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સિવાય સરહદી જિલ્લાઓમાં ૭ જેટલી બોર્ડર કોન્ફરન્સ કરી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લાને કુલ ૫ કંપની સી.એ.પી.એફ. અને ૨ સેકશન એસ.આર.પી. ફાળવવામાં આવી છે. જેઓ દ્વારા આંતર રાજ્ય ચેકપોસ્ટ, એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચની કાર્યવાહી કરવામાં આવનાર છે.
વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાના મતદારો, નવા એપીક કાર્ડ, પોલીંગ સ્ટેશન, ઈવીએમ-વીવીપેટ, ચૂંટણી પ્રકિયામાં ફરજ બજાવતો સ્ટાફ, પોસ્ટલ બેલેટ, એફએસટી અને એસએસટી ટીમની રાઉન્ડ ધ ક્લોક કામગીરી, જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ, કમ્પલેઈન્ટ મોનીટરીંગ સેલ, ઉમેદવારો અને સ્વીપની કામગીરી વિશે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફાઈનલ મતદાર યાદીમાં ૧૧૭૬૩ મતદારોનો વધારો નોંધાયો
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૪ના રોજ ૨૬- વલસાડ (અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગની મતદારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક, નવસારીની વાંસદા અને ડાંગની એક બેઠક મળી કુલ ૭ સીટ પર ૧૮૪૮૨૧૧ મતદારો નોંધાયા હતા. જ્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદીમાં ૧૧૭૬૩ મતદારોના વધારા સાથે કુલ ૧૮૫૯૯૭૪ મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો ૯૪૫૫૩૦ અને સ્ત્રી મતદારો ૯૧૪૪૨૫ તેમજ થર્ડ જેન્ડર મતદાર ૧૯નો સમાવેશ થાય છે.

૭ વિધાનસભા બેઠક પર ૨૦૦૬ મતદાન મથકમાંથી ૪૮૦ સંવેદનશીલ મતદાન મથકો
૨૬- વલસાડ બેઠક પર કુલ સાત વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૫૫ સ્થળો પર કુલ ૨૦૦૬ મતદાન મથકો છે. જેમાંથી વલસાડ જિલ્લાની પાંચ સીટના ૧૩૫૬, ડાંગના ૩૨૯ અને વાંસદાના ૩૨૧ મતદાન મથકો છે. ૧૩૦૦ થી વધુ મતદારો ધરાવતા ૧૬૪ મતદાન મથકો છે. શેડો એરિયા ધરાવતા ૬૪ મતદાન મથકો છે. જ્યાં નબળી કનેકટીવીટીના પ્રશ્ન રહે છે. જેથી આ બુથ પર વાયરલેસ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સિવાય ફોરેસ્ટ ખાતામાંથી રનર્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ૪૯ મતદાન મથકો માત્ર મહિલા કર્મીઓ દ્વારા સંચાલિત હશે. જે પિંક બુથ અથવા સખી બુથ તરીકે ઓળખાશે. ૭ મોડલ પોલીંગ સ્ટેશન હશે. ૩ મતદાન મથક માત્ર યુવાઓ દ્વારા સંચાલિત હશે જ્યારે ૭ મતદાન મથકો માત્ર દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાાલિત હશે. કુલ ૨૦૦૬ મતદાન મથકોમાંથી ૪૮૦ સંવેદનશીલ પોલીંગ સ્ટેશનો પર ૧૨૭ માઈક્રો ઓબ્ઝર્વર નિગરાની રાખશે તેમજ ફરજિયાત પણ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.

કુલ ૨૨૬૧૭ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે
વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહે પોસ્ટલ બેલેટની માહિતી આપતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પરંતુ અન્ય જિલ્લાની વિધાનસભા સીટ ધરાવતા હોય તેવા પોલીંગ સ્ટાફ, અન્ય સ્ટાફ અને એસઆરપીએફ કર્મચારી મળી કુલ ૯૦૭૯ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ (ફોર્મ ૧૨) રીસીવ થયા છે. જ્યારે ૨૬ – વલસાડ બેઠકની જ વિધાનસભા મતદાર યાદીમાં નામ ધરાવતા હોય અને ૨૬- વલસાડ બેઠક વિસ્તારમાં જ ફરજ બજાવતા હોય તેવા ૭૮૫૮ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ (ફોર્મ ૧૨-એ) થી મતદાન કરશે. આ સિવાય ૨૬ વલસાડ વિધાનસભા બેઠકના વિસ્તારની મતદાર યાદીમાં નામ ધરાવતા હોય પરંતુ અન્ય જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ૫૬૮૦ કર્મચારીઓના પોસ્ટલ બેલેટ (ફોર્મ -૧૨) સ્વીકારવામાં આવ્યા છે. આમ, કુલ ૨૨૬૧૭ સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!