દારા વરવાડેવાલા (સંજાણ) આયોજિત હેરીન એન્ડ કેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉલ્હાસ જીમખાના–Aની શાનદાર જીત

ગુજરાત એલર્ટ | વલસાડ
દારા વરવાડેવાલા (સંજાણ) દ્વારા આયોજિત અને છેલ્લા ૭૮ વર્ષથી સતત ચાલતી હેરીન એન્ડ કેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન નવેમ્બર–૨૦૨૫થી જાન્યુઆરી–૨૦૨૬ દરમ્યાન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી. પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં દમણ, નવસારી જિલ્લો તથા વલસાડ જિલ્લાની કુલ ૧૪ ટીમોએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ ૧૬/૦૧/૨૦૨૬ના રોજ ઉલ્હાસ જીમખાના–A અને ઉલ્હાસ જીમખાના–B ટીમ વચ્ચે રમાઈ હતી.
ફાઇનલમાં ટોસ જીતીને ઉલ્હાસ જીમખાના–B ટીમના કેપ્ટન શ્રી પ્રીતમ પટેલે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમની ટીમ નિર્ધારિત ૪૦ ઓવરમાં માત્ર ૮૬ રન જ બનાવી શકી હતી.
આ નાનકડા લક્ષ્યનો પીછો કરતા ઉલ્હાસ જીમખાના–A ટીમના કેપ્ટન શ્રી ગુંજન પટેલની આગેવાની હેઠળ ટીમે ૧૭.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી વિજય હાંસલ કર્યો અને ટુર્નામેન્ટનું ખિતાબ પોતાના નામે કર્યું.
ટુર્નામેન્ટ દરમિયાન આપવામાં આવેલા વ્યક્તિગત ઇનામોમાં
મેન ઓફ ધ મેચ: શ્રી દિવ્ય આહીર (ઉલ્હાસ જીમખાના–A)
બેસ્ટ ફિલ્ડર: શ્રી ગુંજન પટેલ (ઉલ્હાસ જીમખાના–A)
બેસ્ટ વિકેટકીપર: શ્રી કૃણાલ કામલી (ઉલ્હાસ જીમખાના–B)
એક મેચમાં સૌથી વધુ રન (૪૦ ઓવરમાં ૨૮૨ રન) બનાવવાના પ્રદર્શન બદલ ઉલ્હાસ જીમખાના–A ટીમને બ્રાઇટ ક્રિકેટનો ખિતાબ મળ્યો હતો.
તે ઉપરાંત, એક મેચમાં ૩૩ રનમાં ૬ વિકેટ લેનાર ઉલ્હાસ જીમખાના–Aના ખેલાડી શ્રી પલક વાળોદરાને બેસ્ટ બોલર, તથા એક મેચમાં ૧૦૪ રનની શાનદાર સદી ફટકારનાર શ્રી મહમદ કેફને બેસ્ટ બેટસમેન તરીકેના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
અંતમાં યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત રહેલ શ્રી રાજેશકુમાર પટેલ, શ્રી ચિરાગ પટેલ (GCA ફિટનેસ કોચ), ઉલ્હાસ જીમખાના ક્રિકેટ સેક્રેટરી શ્રી હોમિયાર કાસદ, જનરલ સેક્રેટરી શ્રી જે.ડી. પટેલ તથા હેરીન એન્ડ કેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક શ્રી દારા વરવાડેવાલાના શુભ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમો તેમજ ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!