વલસાડના કોળી પટેલ સમાજ દ્વારા બે દિવસીય નવરાત્રી મહોત્સવ: શેરી ગરબા, ઘેરૈયા તથા ઝેરીયુ સ્પર્ધા યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના કોળી પટેલ સમાજ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પરંપરાગત ગરબાની સાથે શેરી ગરબા, ઘેરૈયા તથા ઝેરીયુ સ્પર્ધાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
તા. 21 ઓક્ટોબરના રોજ સાંજે 4:30થી રાત્રે 8:30 વાગ્યા સુધી શેરી ગરબા, ઘેરૈયા તથા ઝેરીયુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો, મહિલાઓ તથા વિવિધ ટીમો દ્વારા પરંપરાગત વેશભૂષા અને ગરબાની આગવી રજૂઆત કરવામાં આવશે. જ્યારે તા. 21 અને 22 ઓક્ટોબર એમ બંને દિવસ રાત્રિના સમયે ટ્રેડિશનલ તથા જનરલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોળી પટેલ સમાજ, વલસાડના પ્રમુખ તથા ધારાસભ્ય શ્રી ભરતભાઈ કે. પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં શ્રી રામુભાઈ પટેલ મંત્રી, શ્રી શશીભાઈ પટેલ ઉપપ્રમુખ, શ્રી રોહિતભાઈ પટેલ સહમંત્રી, શ્રી ચંદુભાઈ પટેલ ખજાનચી તથા શ્રી આશિષ પટેલ ઓડિટર સહિત સમાજના હોદ્દેદારો સહભાગી બન્યા છે. ગરબા મહોત્સવના આયોજનમાં મહિલા સમિતિ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જેમાં શ્રીમતી જીગીત્સાબેન પટેલ, શ્રીમતી દર્શનાબેન પટેલ, શ્રીમતી કલ્પનાબેન પટેલ, શ્રીમતી નીતાબેન પટેલ, શ્રીમતી વૈશાલીબેન પટેલ, શ્રીમતી તેજલબેન પટેલ તથા કારોબારી સભ્યો જોડાયા છે.
નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન સી. બી. હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, રંગતાળી, વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. કોળી પટેલ સમાજ દ્વારા સમાજના ભાઈ-બહેનો તેમજ ગરબા રસિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરંપરાગત ગરબા, શેરી ગરબા અને વિવિધ સ્પર્ધાઓનો આનંદ માણવા અપીલ કરવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!