આજે વિશ્વ મહિલા વનકર્મી દિવસ.. વલસાડના મહિલા આરએફઓ સામે દિપડો આવી ગયો છતાં ગભરાયા ન હતાં.

વલસાડ
હું વઘઇમાં ડ્યુટી કરી રહી હતી. ત્યારે સવારે ક્વાર્ટરમાંથી બહાર આવી ત્યાં મારાથી માત્ર 10 ફૂટ દૂર દિપડો ઉભો હતો. જોકે, તેને જોયા બાદ મે કોઇ પ્રતિક્રિયા ન આપતાં તે જતો રહ્યો હતો. આવા બનાવોથી હવે ડર લાગતો નથી. આ અમારી ડ્યૂટી છે. એવું વલસાડમાં આરએફઓ તરીકે કાર્યરત મહિલા કર્મચારી અંજના પાલવાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગીરના જંગલમાં ટ્રેનિંગ દરમિયાન જ 5 સિંહ સામે આવ્યા હતા. જોકે, તેમણે અમને કોઇ પણ પ્રકારની હાનિ પહોંચાડી ન હતી. ત્યારથી વન્ય જીવો સામેનો ડર નિકળી ગયો છે.

વલસાડમાં અંજનાબેન સિવાય પ્રતિભાબેન પટેલ અને હિનાબેન પટેલ પણ આરએફઓ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આજે વિશ્વમાં મહિલા વનકર્મી દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે આ પ્રસંગે તેમણે તેમના અનુભવો વિશે જણાવ્યું હતુ.
પ્રતિભાબેન પટેલ ધરમપુરના હનુમતમાળ રેન્જમાં ફરજ બજાવે છે અને હિનાબેન પંગારબારી રેન્જમાં ફરજ બજાવે છે. આ બંને અભ્યાસે એમએ બીએડ કર્યું છે. તેમણે શિક્ષણનું ક્ષેત્ર પસંદ નહી કરી વન સુરક્ષાનું ક્ષેત્ર પસંદ કર્યું અને આ ક્ષેત્રમાં કામ કરવા આવી ગયા. જોકે, શરૂઆતમાં બંનેને થોડી મુશ્કેલી પડી પરંતુ હવે તેઓ પણ આ નોકરીથી ટેવાઇ ગયા અને બંનેને આ ક્ષેત્ર ગમવા લાગ્યું છે. પોતાના અનુભવ વિશે પ્રતિભાબેને જણાવ્યું કે, જંગલમાં એકલું રહેવુ, રાત્રી પેટ્રોલિંગ કરવું વગેરે પહેલાં મુશ્કેલ જણાતું, પરંતુ હવે આ ક્ષેત્રમાં કોઇ પણ મુશ્કેલી વિના કાર્ય થઇ રહ્યું છે. વલસાડ જિલ્લામાં હાલ તેમના ક્ષેત્રમાં દિપડા જેવા વન્ય જીવ નથી, પરંતુ લાકડા ચોરોને પકડવા જેવા અનેક ઓપરેશન તેઓ કરી રહ્યા છે. તેમણે લાકડા ચોરી કરતી અનેક ગેંગોને પકડી તેમની સામે વખતો વખત કેસ કર્યા છે. તેમજ તેઓ મહારાષ્ટ્રના વનકર્મચારીઓ સાથે અનેક વખત જોઇન્ટ ઓપરેશન પણ કરી ચૂક્યા છે.

આવું જ કંઇ મહિલા આરએફઓ હિનાબેન પટેલ પણ જણાવી રહ્યા છે. તેમનું કાર્યક્ષેત્ર પણ મહારાષ્ટ્ર બોર્ડને અડીને આવેલું હોય તેઓ પણ મહારાષ્ટ્રના વનકર્મીઓ સાથે મળીને લાકડા ચોરોને પકડવા ઓપરેશન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમની પહેલી ડ્યૂટી ડાંગમાં થઇ હતી. ત્યારે તેઓ રાઉન્ડ ફોરેસ્ટર હતા. એ સમયે તેઓ જંગલમાં પગપાળા પણ પેટ્રોલિંગ કરતા હતા. લાકડા કાપવાનો અવાજ સંભળાય એ દિશામાં તેઓ ચાલી ને જતા અને લાકડા કાપવાનું અટકાવતા હતા. તેમણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક ઓપરેશનમાં સરપંચનું જેસીબી પણ કબજે કર્યું હતુ. આ જેસીબીથી ઝાડ કપાઇ રહ્યા હતા. આવા અનેક ઓપરેશનો થતા રહેતા હોવાનું તેમણે જણાવ્યું છે.
વલસાડ જિલ્લામાં 3 આરએફઓ, 3 રાઉન્ડ ફોરેસ્ટર અને 28 મહિલા બીટગાર્ડ ફરજ બજાવી રહ્યા છે. સૌથી મુશ્કેલ નોકરી બીટગાર્ડની હોય છે. આરએફઓ કક્ષાના અધિકારી મોટા સેન્ટર પર ફરજ બજાવે છે, પરંતુ મહિલા બીટગાર્ડે અંતરિયાળ જંગલમાં ફરજ બજાવવી પડે છે. તેઓ પણ પુરુષોના ઇજારા ગણાતા આ ક્ષેત્રમાં પોતાનું કાઠુ કાઢી રહ્યા છે. આજના આ દિવસે વલસાડના વનોનું રક્ષણ કરતા આ મહિલા વનકર્મીઓને સલામ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!