વિદ્યાર્થીઓ અને યુવાનોએ નશામુક્ત જીવન જીવવા તથા પરિવાર, મિત્રો અને સમાજને પણ નશાથી દૂર રાખવા સંકલ્પ લીધા

ગુજરાત એલર્ટ | વલસાડ
માય ભારત વલસાડ દ્વારા “નશા મુક્ત યુવા – વિકસિત ભારત” અભિયાન અંતર્ગત યુવાનો અને વિદ્યાર્થીઓમાં નશામુક્તિ, સ્વસ્થ જીવનશૈલી, સકારાત્મક વિચારસરણી તેમજ રાષ્ટ્ર નિર્માણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વલસાડના અબ્રામા ખાતે સ્થિત BAPS વિદ્યા મંદિરમાં વિવિધ સ્પર્ધાઓ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોમાં “નશા ને ના, જીવનને હા” નો સંદેશ આપવામાં આવ્યો હતો તથા તેમને સમાજમાં સકારાત્મક પરિવર્તનના દૂત બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રોબેશનરી આઈએએસ શ્રી પિયુષ ઘટાલા, હેમાલી જોશી (જિલ્લા યુવા વિકાસ અધિકારી), શ્રી માનસિંહ ઠાકોર (ડાયરેક્ટર, BAPS વિદ્યા મંદિર) તેમજ ડૉ. દીપેશ શાહ (ડાયરેક્ટર, એન.કે. દેસાઈ કોલેજ) સહિત શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે, સ્વસ્થ, સંસ્કારવાન અને જાગૃત યુવાનો જ વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે. યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશામાં વાળીને જ નશામુક્ત અને સશક્ત સમાજનું નિર્માણ કરી શકાય છે. મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને યુવાનોને નશાથી દૂર રહેવા તેમજ પોતાની ઊર્જાનો ઉપયોગ શિક્ષણ, કલા, રમતગમત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને રાષ્ટ્ર નિર્માણ માટે કરવા પ્રેરિત કર્યા હતા.

વક્તૃત્વ સ્પર્ધા દ્વારા સ્પર્ધકોએ નશાના દુષ્પ્રભાવ તથા નશામુક્ત સમાજની આવશ્યકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. લોકગીત સ્પર્ધામાં લોકસંસ્કૃતિ અને સંગીતના માધ્યમથી સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. નુક્કડ નાટક દ્વારા નશાના કારણે થતા સામાજિક અને પારિવારિક દુષ્પ્રભાવો અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે નૃત્ય સ્પર્ધામાં યુવાનોએ પોતાની કલા અને ઊર્જા દ્વારા નશામુક્તિ તથા સકારાત્મક જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દ્વારા નશામુક્તિનો સંદેશ અસરકારક રીતે રજૂ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોએ નશામુક્ત જીવન જીવવા તથા પોતાના પરિવાર, મિત્રો અને સમાજને પણ નશાથી દૂર રાખવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રી આયુષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં સેવિકા સુશ્રી હેતલ શર્મા, સેવક શ્રી નિમેષ ગદ્દામ તેમજ માય ભારત સ્વયંસેવક મંડળીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ BAPS વિદ્યા મંદિર, અબ્રામાના શાળા સંચાલન, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!