જલાલપોરના બોરસીમાં સરકારી જમીનો પરના ઝીંગા તળાવો દૂર કરાયા

ગુજરાત એલર્ટ | નવસારી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ઝીંગા તળાવો સામે જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા દબાણ અંગે મળેલી ફરિયાદોના આધારે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઓપરેશન ચલાવી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ બોરસી ગામની સરકારી જમીન પર મંજૂરી વિના ઝીંગા તળાવો બાંધવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી, જિલ્લા પોલીસ તંત્ર, સ્થાનિક પોલીસ તથા અન્ય વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન JCB મશીનોની મદદથી 7 ઝીંગા તળાવો અને સાથેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તા. 08 અને 09 જૂન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને સરકારી જમીનને દબાણમુક્ત બનાવવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ સહન કરવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવા કિસ્સાઓ સામે સતત અભિયાન ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે પણ કડક પગલાં ભરાશે.
જિલ્લા વહીવટી તંત્રની આ કાર્યવાહીથી સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક લોકોએ તંત્રની કામગીરીને આવકારી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!