ગુજરાત એલર્ટ | ધરમપુર
વલસાડ જીલ્લાના ધરમપુરમા સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી રાકેશજીની અપાર કરુણા અને માર્ગદર્શનમા કાર્યરત શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના તબીબોએ તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નવજાત શિશુઓના મગજના વિકાસ અને સ્વાસ્થ્યને લઈને કરાયેલા એક વિશેષ સંશોધન ‘ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ’ને પ્રતિષ્ઠિત ‘અમેરિકન જર્નલ ઓફ પેરીનેટોલોજી’ માં સ્થાન મળ્યું છે. આ સંશોધન આગામી સમયમાં બાળમરણના દરને ઘટાડવા અને બાળકોના બૌદ્ધિક વિકાસ (IQ) ને સુધારવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ઉપરાંત સીઝેરિયન પ્રસુતિ દરમિયાન અપનાવવામાં આવતી ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ પદ્ધતિ અંગેનું સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ Cureus Publication માં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. હોસ્પિટલના પ્રસૂતિ (Obstetric) અને નવજાત શિશુ (Neonatal) વિભાગમાં એક નવી દિશા તરફ આગળ વધતા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા માતા અને બાળકની સંભાળને એક સમગ્ર દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગર્ભાવસ્થાથી લઈને જન્મ બાદના વિકાસ સુધી સતત અને સંકલિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે પ્રસુતિના 1 થી 3 મિનિટમાં બાળકની નાભિની દોરી (ગર્ભનાળ) કાપી નાખવામાં આવે છે. પરંતુ, શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલના સંશોધન મુજબ આ પદ્ધતિમા ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં વિકસતું એક મહત્વપૂર્ણ અંગ પ્લેસેન્ટાના કુદરતી બહાર નીકળ્યા પછી નાભિની દોરી કાપવાનો સમાવેશ થાય છે.જન્મ પછી તરત જ બાળકને ઓછામાં ઓછો એક કલાક માતાની છાતી પર રાખવામાં આવે છે. જેથી ત્વચાથી ત્વચાનાં પ્રારંભિક સંપર્ક અને બંધનને પ્રોત્સાહન મળે છે. આનાથી માતા અને બાળકના મગજ વચ્ચે અતૂટ બંધન બંધાય છે. Resuscitation ની જરૂર હોય તેવા કિસ્સાઓમાં પણ નાભિની દોરી કાપ્યા વિના જ સારવાર અપાય છે, જેથી માતા દ્વારા મળતો કુદરતી ઓક્સિજન ચાલુ રહે અને મગજ સહિત મહત્વપૂર્ણ અવયવોને ઇજાનું જોખમ ઘટે છે. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં છેલ્લા સાત-આઠ વર્ષના અવલોકનો મુજબ, આ પદ્ધતિથી જન્મેલા બાળકોનું આઈ-ક્યુ લેવલ ઘણું ઊંચું જોવા મળ્યું છે અને બીમારીઓનું પ્રમાણ નહિવત થયું છે.ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પૂર્વ સલાહકાર ડૉ. અરુણ સીંગએ જણાવ્યું હતું કે, બાળકના મગજનો 90 ટકા વિકાસ 06વર્ષની ઉંમર સુધીમાં થઈ જતો હોય છે. સગર્ભા માતાએ દાંતના ઇન્ફેક્શન જેવી બાબતોની કાળજી રાખવી જોઈએ અને પરિવારના સભ્યોએ માતા પર ખીજવાવું જોઈએ નહીં, કારણ કે તેની સીધી અસર ગર્ભસ્થ શિશુ પર થાય છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓ માટે સંગીત, ટીવી અને કસરત જેવી સુવિધાઓ આપવાથી નોર્મલ ડિલિવરીની શક્યતા પણ વધી જાય છે. પ્રકૃતિ વિજ્ઞાન સમજાવતા સંશોધકોએ જણાવ્યું કે, નવ મહિના સુધી બાળક માતાના લોહીમાંથી ઓક્સિજન મેળવે છે. જન્મ પછી તરત ગર્ભનાળ કાપી નાખવાથી આ કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. તેના બદલે ‘ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ’ પદ્ધતિથી ગર્ભમાંથી નીકળતા નવજાત શિશુમાં સ્વતંત્ર શ્વસન અને રક્ત પરિભ્રમણમાં થતાં પરિવર્તનો સરળતાથી અને વિના વિક્ષેપ થાય છે. શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલની આ પહેલ સામાજિક કે આર્થિક ભેદભાવ વગર દરેક બાળકને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને વિકસિત મગજ આપવા માટે કટિબદ્ધ છે. આ સંશોધન માતૃત્વ અને બાળ આરોગ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. ભારત સરકારે પણ ‘ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ’ માટે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભલામણ કરી છે.

નવજાત શિશુ અને માતા માટે ‘સર્વાંગીણ’ અભિગમ
– હોસ્પિટલ દ્વારા બાળક અને માતાની વિશેષ સંભાળ માટે એક વૈજ્ઞાનિક અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. બાળકને કેન્દ્રમાં રાખી તેની આસપાસ તમામ તબીબી સેવાઓનું સંકલન, જેથી દરેક બાળકનો (આર્થિક કે ધાર્મિક ભેદભાવ વગર) મગજનો સંપૂર્ણ વિકાસ થાય અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય. માતાને માનસિક શાંતિ મળે તેવા ખાસ ડિઝાઇન કરેલા લેબર રૂમ અને પ્રસૂતિ દરમિયાન વૈજ્ઞાનિક વ્યાયામ, જેથી ‘નોર્મલ ડિલિવરી’ની શક્યતા વધે. ડિલિવરી બાદ નવજાત શિશુના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે ગર્ભનાળ કાપવાની આધુનિક અને કુદરતી પદ્ધતિનો અમલ.
ગર્ભમા અને પ્રસુતિ પછી બાળકની કાળજી
હોસ્પિટલના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બાળક એક જ હોય છે – તે ગર્ભમાં હોય ત્યારે તેની સંભાળ પ્રસૂતિ તજજ્ઞો કરે છે, જન્મ પછીના પહેલા 28 દિવસ દરમિયાન તેની સંભાળ નવજાત શિશુ વિભાગમાં થાય છે અને ત્યારબાદ બાળરોગ વિભાગ (Pediatrics) તેની દેખરેખ રાખે છે. જો બાળકના મગજના વિકાસમાં કોઈ સમસ્યા હોય, તો વિકાસાત્મક બાળરોગ નિષ્ણાતો (Developmental Pediatricians) તેની વિશેષ કાળજી લે છે. અહી આ સર્વ સેવાઓને એક જ નેજા હેઠળ સંકલિત કરી સમન્વયાત્મક અભિગમથી કાળજી લેવાય છે.
