ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NCSC જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ: માહિતીની વિશ્વસનીયતા ચકાસવા કૃત્રિમ બુદ્ધિ (AI)ના યોગ્ય સંદર્ભોનો ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું: વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) 2026–27 અંગે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) – જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, નવસારી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCoST), ગાંધીનગર અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્ષ 2026 માટેની NCSCની મુખ્ય થીમ “Science and Innovation for Sustainability” અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, પર્યાવરણ, ટકાઉ વિકાસ તથા નવીનતા સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટના માધ્યમથી સમસ્યાની ઓળખ, માહિતી એકત્રિકરણ, વૈજ્ઞાનિક અભિગમ તથા સંભવિત ઉકેલો અંગે રજૂઆતો કરી હતી.

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના ડૉ. ફાલ્ગુની કે. શેઠ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને ડેટા એકત્રિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ તથા યોગ્ય સેમ્પલ સાઇઝ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વલસાડની સરકારી ઇજનેરી કોલેજના ડૉ. ભદ્રેશ આર. સુદાણીએ માહિતીની વિશ્વસનીયતા ચકાસવા, યોગ્ય સંદર્ભોનો ઉપયોગ કરવા તથા કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સાધનોમાંથી પ્રાપ્ત માહિતીના મૂળ સ્ત્રોત અને વિશ્વસનીય સંદર્ભો દર્શાવવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રજ્ઞેશ ડી. રાઠોડ, જિલ્લા વિજ્ઞાન અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા આગામી વર્ષની NCSC માટેની વિષયવસ્તુ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પ્રતિભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના ક્ષેત્રે સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં માર્ગદર્શન અને મૂલ્યાંકન માટે ગૌરવ સુનિલભાઈ કે. તથા હિરેન ડી. પટેલ, B.R.S. કોલેજ, બિલપુડી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) 2026–27 અંગે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપવામાં આવી હતી. VVMની નોંધણી પ્રક્રિયા, પરીક્ષાની રચના અને સમયપત્રક ઉપરાંત ભાસ્કર શિષ્યવૃત્તિ, સૃજન ઇન્ટર્નશિપ તથા રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ વિવિધ તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિજ્ઞેશ હળપતિ અને અભિજિત નિકોસે દ્વારા દિગ્દર્શિત વન્યજીવ ગીધ આધારિત ‘જટાયુ’ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને 3D શો નિહાળવાની તક આપવામાં આવી હતી તેમજ આધુનિક ટેલિસ્કોપની મદદથી સૂર્યના કલંકો (Sunspots)નું અવલોકન કરાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને વન્યજીવન, અવકાશ વિજ્ઞાન અને ખગોળીય ઘટનાઓ અંગે જ્ઞાનવર્ધક તથા રસપ્રદ અનુભવ પ્રાપ્ત થયો હતો.
જિલ્લા કક્ષાની NCSC સ્પર્ધામાં વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન મિહિર પટેલ, CSC Coordinator, GUJCoST, નવસારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. NCSC સહિત બંને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કુલ 23 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો તથા અન્ય ઉપસ્થિત વ્યક્તિઓ સહિત આશરે 130 પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનાત્મક વિચારસરણી, નવીનતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા તથા ટકાઉ વિકાસ પ્રત્યેની સમજ વિકસાવવાનો અને તેમને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!