ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી, કકવાડી, દાંડી, ભાગલ અને માલવણ ગામને સ્પર્શતા પ્રોટેકશન વોલના મુદ્દે લોકસભાના દંડકશ્રી અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે આજે મંગળવારે કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં દરિયાઈ ધોવાણને અટકાવવા માટે જરૂરી પ્રોટેકશન વોલ બનાવવા માટે સાંસદશ્રીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી.
વલસાડ તાલુકના કાંઠા વિસ્તારમાં આવેલા નાની દાંતી ગામમાં દરિયાઈ ધોવાણ અટકાવવા માટે રૂ. ૩૮ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ૧૫૦૦ મીટરની પ્રોટેકશન વોલ બનાવવામાં આવી હતી. જેમાં ૩૦૦ મીટરની પ્રોટેકશન વોલનું કામ બાકી હોવાથી ભરતીનું પાણી ગામમાં ઘુસી જતા ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેથી ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સાંસદશ્રી ધવલભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવની ઉજવણી બાદ ગ્રામજનો સાથે દાંતી કકવાડીના દરિયા કાંઠાની વિઝિટ લઈ ગ્રામજનોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી તેઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો.

આ વેળા ગ્રામજનોએ સાંસદશ્રીને જણાવ્યું કે, દાંતીમાં દાંડા સ્ટ્રીટની સામે પ્રોટેકશન વોલ ક્ષતિગ્રસ્ત થઈ છે. જેની મરામત માટે રજૂઆત કરી હતી. આ સિવાય ખૂબ જ મહત્વના પ્રશ્ન એવા, દાંતી કકવાડી અને દાંડી સુધીની ચાર કિમીની પ્રોટેકશન વોલની તાતી જરૂરીયાત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. હાલમાં અહીં પ્રોટેકશન વોલ ન હોવાથી બે વર્ષમાં ભારે દરિયાઈ ધોવાણ થયું છે. જેથી ગ્રામજનોએ અહીં સામાન્ય પ્રોટેકશન વોલ નહી પરંતુ પાણીના પ્રહારને તોડી શકે તેવી ઉભી બ્રેક વોટર (પુસ્ટા-ઉભા પાળા) ટાઈપની પ્રોટેકશ વોલ બનાવવા માંગ કરી હતી. જેમાં એક કિમીના અંતરે એક પુસ્ટા બનાવે તો રેતી સરકી ન જાય. આ વિસ્તારના સમુદ્રમાં કરંટ વધુ હોવાથી રેતી ઝડપભેર સરકી જાય છે. જેથી ધોવાણ વધુ થાય છે. સરકાર પ્રોટેકશન વોલ બનાવે છે પરંતુ તેના રક્ષણ માટે આગળના ભાગે મુંબઈ મરીન ડ્રાઈવ તેમજ દક્ષિણ ભારતમાં કર્ણાટકના મરૂદેશ્વર સમુદ્ર કાંઠે બનાવવામાં આવેલી ટ્રેટા પો્ટસ ટાઈપ બ્રેક વોટર બનાવવા પણ રજૂઆત કરી હતી જેથી પ્રોટેકશન વોલ વારંવાર ક્ષતિગ્રસ્ત ન થાય એ માટે રજૂઆત કરી હતી.
ગ્રામજનોની રજૂઆતો અને તેઓની સમસ્યા ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી સાંસદશ્રીએ આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને જળસંપત્તિ મંત્રી સુધી રજૂઆત કરવાની ખાતરી આપી આ પ્રશ્ન જેટલો જલદી ઉકેલી શકાય તે માટે પૂરતા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત વેળા વિવિધ ગામના સરપંચો, માજી સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો જોડાયા હતા.
