ધરમપુર નગરપાલિકા ખાતે સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે ₹૫૩ લાખના વિકાસ કાર્યો અને સાધનોનું લોકાર્પણ

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે નગરપાલિકા વિસ્તાર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલના હસ્તે સાંસદ ફંડની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બે ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કર અને એક ટ્રેક્ટર સાથે ટ્રેલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સ્થાનિક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા સંગઠનના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર નગરપાલિકાને ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી વસાવાયેલા આધુનિક મિની ફાયર ફાઈટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી નગરમાં આગ તેમજ આપાતકાલીન પરિસ્થિતિ સામે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

આ અવસરે સાંસદ શ્રી ધવલભાઈ પટેલે નગરના સર્વાંગી વિકાસ અને લોકસુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી,તેમણે જણાવ્યું હતું કે ધરમપુર પાલિકાને સાંસદ ફંડમાંથી ₹૫૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં નગર વિકાસ માટે જરૂરિયાત મુજબ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ સાથે તેમણે આગામી ૧૫ દિવસમાં નગરપાલિકાને અદ્યતન ‘મોક્ષ રથ’ ઉપલબ્ધ કરાવવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ નગરપાલિકાના હોદ્દેદારો સાથે ધરમપુરમાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો તેમજ આગામી આયોજનો અંગે વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરી હતી.

આ લોકાર્પણ પ્રસંગે ધરમપુર નગરપાલિકા પ્રમુખશ્રી મયંકભાઈ મોદી અને તેમની સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરેરા તથા તેમની ટીમ સહિત સ્થાનિક આગેવાનો, કાઉન્સિલરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!