ગુજરાત એલર્ટ | વલસાડ
પારડી જી.આઇ.ડી. સી. ખાતે રૂા. ૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી પારડી સાયન્સ કોલેજનું રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ લોકસભા દંડક અને વલસાડ- ડાંગના સાંસદશ્રી ધવલભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી.
આ પ્રસગે રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, પારડી કોલેજની શરૂઆત પારડી શિશુમંદિર સ્કૂલથી કરવામાં આવી હતી ત્યારબાદ આ જગ્યા ઓછી પડતા જૂની મામલતદાર કચેરી ખાતે સાયન્સ કોલેજ કાર્યરત હતી. જે હવે પારડી જી. આઇ. ડી. સી. ખાતે રૂા. ૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગમાં આકાર પામતા ચાલુ સત્રથી વલસાડ જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓને નવા સત્રથી અદ્યતન સુવિધાવાળી કોલેજ મળશે. વલસાડ કરતા પારડીની સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશનની એન્ટ્રીઓ વધુ આવી છે એમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થઇ રહયા છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરી રહયુ છે. આઇ. એ. એસ. અને આઇ. પી. એસ. ના પરિણામમાં પણ ગુજરાતીઓ સારા માર્કસે પાસ થઇ રહ્યા છે. કોમ્પ્યુટર સાયન્સથી લઇને શિક્ષણ એટલું આગળ વધી ગયુ છે કે દરેક તાલુકા કે વિધાનસભા વિસ્તારમાં સાયન્સ કોલેજ હોવી અગત્યનુ બની ગયુ છે.
લોકસભા દંડક અને વલસાડ- ડાંગ સાંસદશ્રી ધવલભાઇ પટેલે વલસાડ જિલ્લામાં આપણા નવયુવાનોને સારામા સારૂ ભણતર મળે અને સાથોસાથ રોજગારી પણ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સ્કીલ મંત્રાલય સાથે વાત કરીને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે અને આભારવિધિ પારડી સાયન્સ કોલેજના આચાર્ય શ્રીમતી હેતલબેને કરી હતી. આ કાર્યક્રમમાં માજી સાંસદ ર્ડો. કે. સી. પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ, સંગઠન મહામંત્રીઓ કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઇ હાજર રહયા હતા.
પારડી સાયન્સ કોલેજ
ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન જેનો બિલ્ટ અપ એરીયા ૬૦૧૦ સ્કે. મી. જેમાં ૨૦ કલાસરૂમ અને ૧૨૦૦ વિદ્યાર્થીઓની કેપેસીટી છે.
ગ્રાઉન્ડ ફલોર પર ૧ કલાસરૂમ, ૧ કેમેસ્ટ્રી લેબ, ૧ કેમિકલ સ્ટોર, પ્રીપરેશન રૂમ, ગ્લર્સ રૂમ, કોમ્પ્યુટર સેન્ટર, સ્ટાફ રૂમ, એડમીન એસ્ટાબ્લીસ્મેન્ટ, એકાઉન્ટ રૂમ, સ્ટુડન્ટ સેકશન, એચઓડી રૂમ, લાયબ્રેરી
ફર્સ્ટ ફલોર પર ૬ કલાસરૂમ, ૨- ફીઝીકસ લેબ, બોટની લેબ, ઝુલોજી લેબ, ડાર્ક રૂમ, સેમીનાર હોલ સેકન્ડ ફલોર પર ૧૩ કલાસરૂમ, સ્ટુડીયો/ડ્રોઇંગ હોલ, ૨- સ્ટોરરૂમ, માયક્રોબાયોલોજી લેબ છે. દરેક ફલોર પર વોટર કુલર, લેડીઝ અને જેન્ટસ ટોયલેટ, ઇલેકટ્રીફિકેશન વર્ક, ફર્નીચર તથા બિલ્ડીંગમાં બે લીફટનો સમાવેશ થયો છે. આ ઉપરાંત કોલેજ કેમ્પસમાં સમ્પ રૂમ, એકસ્ટ્રનલ સેનેટરી, ઇન્ટરનલ સીસીસી રોડ, પાણી માટે બોર, રેઇન હાર્વેસ્ટીંગ સીસ્ટમ, રીટેનીંગ વોલ કંમ્પાઉન્ડ વોલ, પાર્કિગ શેડ અને ફાયર સેફટી સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.