વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં રૂ. 2.25 કરોડના ખર્ચે અદ્યતન AC જનરલ વોર્ડનું લોકાર્પણ: બાળકો માટેનો વોર્ડ એવો બનાવ્યો કે બાળકો ખુશ ખુશ થઈ જાય

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ દ્વારા આરોગ્યસેવાના ક્ષેત્રમાં વધુ એક નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલની 82 વર્ષની સેવાયાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ઉમેરતાં દિવાળીના પાવન અવસરે અંદાજે રૂ. 2.25 કરોડના ખર્ચે માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ પામેલા અદ્યતન વાતાનુકૂલિત જનરલ વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દર્દીઓની સુખાકારી, સ્વચ્છતા, સલામતી અને આરામને પ્રાથમિકતા આપીને તૈયાર કરવામાં આવેલા આ નવા જનરલ વોર્ડમાં આધુનિક હોસ્પિટલ બેડ, અદ્યતન ERV (Energy Recovery Ventilation) ફ્રેશ એર વેન્ટિલેશન સિસ્ટમ, વાતાનુકૂલિત વાતાવરણ સહિતની આવશ્યક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વોર્ડમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ હૃદયરોગના દર્દીઓની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

કસ્તુરબા હોસ્પિટલની વિશેષતા એ રહી છે કે આધુનિક તબીબી સુવિધાઓના વિકાસની સાથે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને પણ પોસાય તેવા દરે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. હોસ્પિટલની કુલ પથારી ક્ષમતામાંથી 30 ટકાથી વધુ પથારીઓ જનરલ વોર્ડ માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પાત્ર લાભાર્થીઓને મંજૂર પેકેજ મુજબ નિઃશુલ્ક સારવાર પણ આપવામાં આવે છે.

આ આધુનિક જનરલ વોર્ડનું નિર્માણ એવરેસ્ટ ફૂડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈના ઉદાર આર્થિક સહયોગથી સાકાર થયું છે. આ વોર્ડ સ્વ. શ્રીમતી હીરાબેન વાડીભાઈ શાહની પવિત્ર સ્મૃતિને સમર્પિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અપુર્વ અર્જુનભાઈ દેસાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતાશ્રીઓ શ્રી સંજીવભાઈ વાડીભાઈ શાહ, શ્રી રાજીવભાઈ વાડીભાઈ શાહ અને સમગ્ર શાહ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટના આયોજન અને સંકલનમાં વિશેષ સહયોગ બદલ શ્રી શૈલેષભાઈ કામદારનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
લોકાર્પણના આ શુભ પ્રસંગે તિથલ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી (કોઠારી સ્વામી)ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. તેમની પાવન ઉપસ્થિતિએ સમગ્ર પ્રસંગને આધ્યાત્મિક ગૌરવ પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણ ઠાકોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “કસ્તુરબા હોસ્પિટલની 82 વર્ષની સેવાયાત્રા એ વલસાડની જનતાના અખંડ વિશ્વાસ અને દાતાશ્રીઓના સમર્પણની ગૌરવગાથા છે. અમારા માટે વિકાસનો સાચો અર્થ માત્ર આધુનિક સુવિધાઓ ઊભી કરવાનો નથી, પરંતુ તે સુવિધાઓ સમાજના દરેક વર્ગને પોસાય તેવા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. કોઈપણ દર્દી આર્થિક અસમર્થતાને કારણે સારવારથી વંચિત ન રહે એ જ અમારો સંકલ્પ છે.”
આમ, આધુનિક આરોગ્યસુવિધાઓ અને સેવાભાવનાના સમન્વય સાથે કસ્તુરબા હોસ્પિટલ દ્વારા વલસાડ સહિત આસપાસના વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્યસેવા પૂરી પાડવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!