વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
‘‘સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને આજ રોજ વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મહા સફાઈ અભિયાનની કામગીરી થઈ હતી.
​વાપી ખાતે જિલ્લા કક્ષાના મહા શ્રમદાન અભિયાનમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બને તે માટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક દેશવાસીઓને એક ધ્યેય સાથે સફાઈ અભિયાન તરફ વાળ્યા છે. આ કામ લોક નાયક જ કરી શકે છે. કોરોનાના કપરા કાળમાં તેમણે સમગ્ર દેશમાં સ્વયંભૂ લોકડાઉન કરી કોરોનાને માત આપવામાં સફળતા મેળવી હતી. ત્યારે ફરી એક વાર સમગ્ર દેશ આજે ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનમાં જોડાયો છે. સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ માટે નહીં પરંતુ દરેક લોકોએ સ્વયં શિસ્ત જાળવી સ્વચ્છતા રાખવામાં હરહંમેશ પોતાનું યોગદાન આપવુ જોઈએ. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં રોગ નહીં આવે. જો આપણે બધા એક જ દિશામાં કામ કરીશું તો ભારત સ્વચ્છતા અને તંદુરસ્તીમાં નંબર વન બનશે. વધુમાં મંત્રીશ્રીએ સ્વચ્છતાના આ મહા આંદોલનમાં તમામ લોકોને સામૂહિક રીતે જોડાઈને ગાંધીજીને અંજલિ આપવા આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આ સ્વચ્છતા અભિયાનથી સમગ્ર દેશને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. અત્યારે આપણે સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યા છે, અત્યારે ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે. આગામી ૨૦૪૭ સુધીમાં ભારતને દુનિયાનું સૌથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરીશું.

મંત્રીશ્રીએ વાપીના ગીતાનગર, સરદાર ચોક અને રાતા ખાડીના ઓવારે સ્વચ્છતા અભિયાન આદર્યુ

મંત્રીશ્રીએ વાપી ખાતે સૌ પ્રથમ ગીતા નગરમાં ઝાડુ લઈ સફાઈ કરી હતી ત્યારબાદ સરદાર ચોક ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી નજીક આવેલા શ્રી કૃષ્ણ પ્રમાણી મંદિર વિસ્તારમાં સફાઈ અભિયાન આદર્યુ હતું. બાદમાં પંડોર ખાડે આવેલી રાતા ખાડીના ઓવારે મંત્રીશ્રીએ સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ સૌને આપ્યો હતો.

​એક કલાકના આ મહા અભિયાનમાં તેમની સાથે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, વાપી નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, સુરત સ્થિત પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્રર વી.સી.બાગુલ, જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી પાલિકાના માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આખા દેશને સ્વચ્છતા અભિયાન તરફ વાળ્યો

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!