ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાનો પુર્વ ભાગ સહયાદ્રીની ગિરીકંદરાઓમાં ચોમાસા દરમિયાન ખળખળ વહેતા ઝરણાંઓથી ઉભું સંગીત જાણે આંગતુકોને આવકારે છે. આવો, અમારા પ્રદેશ મીની કાશ્મીરમાં. ખરેખર અદુભત સૌંદર્ય સાથેનો વલસાડ જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ આદિવાસી વિસ્તારની આગવી ઓળખ છે. ધરમપુર અને કપરાડા તાલુકામાં અનેક કુદરતી ઝરણાંઓ- ધોધ આવેલા છે. ધરમપુર તાલુકાના માકડબંધનો ગણેશ ધોધ બે ડુંગરોની વચ્ચે ખુબસુરત વાદીઓનું પ્રતિક છે.

માકડબંધ ગામના રહીશ અને ગણેશ ધોધ નજીક નાની લારી ચલાવતા શ્રી કિરણભાઇ જણાવે છે કે, અમારા પુર્વજો આ કુદરતી ધોધને ‘‘પાવલી ધોધ’’ તરીકે ઓખળતા હતા. ધોધની નીચેનો આકાર કોઠી (ડાંગર ભરવાનું સાધન) આકારનો હોવાથી ‘‘કુંડા ધોધ’’ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ ગામલોકોએ ‘ગણેશ ધોધ’ તરીકે પ્રખ્યાત કર્યો. સ્થાનિક આદિવાસી સમાજ માટે આ સ્થળ પવિત્ર છે. અહીં ધોધ ડુંગર પર ઉંચે હોઇ, એક કિ.મી. જેટલો પગદંડી રસ્તે ચાલતા જવું પડે છે. જે રોમાંચક ટ્રેકિંગનો અનુભવ કરાવે છે. જે ખરેખર આનંદ થાય છે.

તેઓ વધુમાં કહે છે કે, ગણેશધોધના કારણે ચોમાસાના ત્રણ માસ દરમિયાન સ્થાનિક રોજગારી પણ મળી રહે છે. ખાસ કરીને શનિ-રવિ અને અન્ય રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી આવે છે.

જેના કારણે નાની લારી ચલાવતા લોકોને સારી એવી રોજગારી મળી રહી છે. સાથે પાર્કિંગના કારણે આવકમાં વધારો થયો છે. માકડબંધ શકરધોધ જવા માટે ધરમપુર ભેંસદરા, ફુલવાડી થઇને જઇ શકાય છે.
આ સમગ્ર વિસ્તાર ધરમપુરના રજવાડાના રક્ષણ અને વન-સંપત્તિ માટે મહત્વનો હતો
માકડબંધ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળાના ખોળામાં આવેલું એક પ્રાકૃતિક અને સમૃદ્ધ આદિવાસી વારસો ધરાવતું ગામ છે. આ ધોધ સહ્યાદ્રી પર્વતમાળાના ડુંગરાળ વિસ્તારોમાંથી વહેતા કુદરતી ઝરણાંઓ દ્વારા રચાય છે. પ્રાચીન સમયમાં જ્યારે ધરમપુર રજવાડા હેઠળ ઘનઘોર જંગલો હતા, ત્યારે આ સ્થળ સ્થાનિક વનવાસીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત અને શાંત આશ્રયસ્થાન હતું. રજવાડાના સમયમાં આ ગામ ધરમપુરના સિસોદિયા રાજપૂતના તાબા હેઠળના પ્રદેશનો ભાગ હતું. સહ્યાદ્રી પર્વતોના ઘનઘોર જંગલોમાં સ્થિત હોવાને કારણે આ સમગ્ર વિસ્તાર રજવાડાના રક્ષણ અને વન-સંપત્તિ માટે મહત્વનો હતો.
અહીં વસતા કુકણાં સમાજના લોકો માવલી માતાની વિશેષ પૂજા કરે છે
માકડબંધ મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, જ્યાં મુખ્યત્વે કુકણાં સમાજ વસે છે. અહીંના લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ, ડુંગર દેવ અને ગ્રામ દેવતાઓની પૂજા કરે છે. ગામની મુખ્ય સંસ્કૃતિ અને લોકજીવન કુકણાં બોલી સાથે જોડાયેલું છે. ગણેશધોધની ઉપરની તળેટીમાં ગામના લોકો ચોમાસાના પ્રારંભે અથવા પાક લણણીના સમયે પ્રકૃતિ અને પાણીના દેવતાઓનો આભાર માનવા અહીં માવલી માતાની વિશેષ પૂજા કરે છે.
પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ
માકડબંધ ગ્રામ પંચાયત દ્વારા અહીં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. પણ પ્રવાસીઓને અપીલ પણ કરે છે કે, ફરવા આવો ત્યારે અહીં ગંદકી કરવી નહીં. ડસ્બીન મુકવામાં આવી છે. જેથી કચરો કચરા પેટીમાં જ નાખો. આ કુદરતી રમણીય સ્થળની સુંદરતા જાળવી રાખશો તો પ્રકૃતિનું પૂજન કર્યા સમાન ગણાશે.
