નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુર નગરપાલિકાના નવા ભવન સાથે વિકાસના કુલ રૂપિયા ૯ કરોડ ૯૦ લાખ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા ભવન, મહારાણી કુશળ કુંવરબા તળાવની ઐતિહાસિક દેરીઓનું નવીનીકરણ અને ત્રણ દરવાજાથી આસુરા વાવ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઈન અને પંપિંગ સ્ટેશનના કુલ રૂ. ૯ કરોડ ૯૦ લાખ ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ધરમપુરની પાવન ધરતી પર મહાન વિભૂતિ સ્વામિનારાયણ ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી વિચરણ કરી ચુક્યા છે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ આ આદિવાસી પંથકમાં ભ્રમણ કરી ચુકયા હોવાનું જણાવી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધરમપુર નગરની જનતાને સંબોધી વધુમાં જણાવ્યું કે, કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યારે કચ્છ ફરી બેઠું થશે કે નહીં તેવી ચર્ચાઓ વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી કચ્છની કાયાપલટ કરી હતી. પહેલા લોકોને વીજળી મળતી ન હતી ત્યારે લોકોએ મોદીજીને કહ્યું કે, અમને રાત્રે જમવા માટે બે કલાક વીજળી આપો, ત્યારે મોદીજી એ જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી ૨૪ કલાક વીજળી પુરી પાડી છે. રોજગારી વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત, આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી રસ્તા, પાણી, વીજળી અને રોજગારીની સુવિધા ઉપલબ્ધ કરી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ સાધ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રૂ. બે લાખ કરોડની યોજના જાહેર થતા આગામી દિવસોમાં વિકાસના અનેક કાર્યો થવાના છે અને ધરમપુર પાલિકા આદિવાસી વિસ્તારમાં હોય વિકાસ કાર્યોનો ભરપૂર લાભ મળશે. તાજેતરમાં જ રૂ. ૧૭ કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થયું છે. આ સિવાય આગામી દિવસોમાં બોપીમાં વીજ કંપનીની સબ ડિવિઝન ઓફિસ, ધરમપુરમાં રમત ગમતનું મેદાન અને ઓડિટોરિયમ સહિતના અનેક કામો આકાર લઈ રહ્યા છે. વધુમાં તેમણે ધરમપુર રોડના વિસ્તૃતિકરણમાં જે વૃક્ષો કપાયા છે તેની જગ્યા પર રોડને બંને બાજુ વૃક્ષારોપણ કરી ધરમપુર રોડને ફરી લીલોછમ બનાવવા માટે અનુરોધ કર્યો હતો.

લોસભાના દંડકશ્રી અને સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતને સૌથી વધુ વિકસિત રાજ્ય બનાવવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ત્યારબાદ તેમણે દેશનું સુકાન સંભાળી આપણા દેશનું અર્થતંત્ર જે ૧૧ માં નંબરે હતું જે આજે ચોથા નંબરે પહોંચ્યું છે, જે અંગ્રેજોએ આપણાં પર રાજ કર્યું હતું તેને પણ ભારતે પછાડી આગળ નીકળ્યું છે. મોદીજીનું સપનું છે કે, આઝાદીના ૧૦૦ વર્ષ ૨૦૪૭માં થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરવાનું છે, જે માટે ગામડાને સમૃદ્ધ બનાવવાના છે. શહેરી વિસ્તારમાં પણ વધુમાં વધુ શિક્ષણ અને રોજગારી ઉભી કરાશે. હાલનું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે ત્યારે શહેરી વિકાસ મંત્રીશ્રી પણ આપણા જિલ્લાના હોય ધરમપુરની કાયાપલટ કરીશું એવું વચન આપું છું.

ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મયંક મોદી, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ અને શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ભાગવતાચાર્ય પૂ.શરદભાઈ વ્યાસે વિકાસની પરિભાષા સાથે આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે રાજવી પરિવારના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પરિહાર (ધર્મુ દાદા), જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી મહેન્દ્ર ચૌધરી, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, સ્વાગત પ્રવચન પાલિકાના ચીફ ઓફિસર ડો.વિજય ઈટાલિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલના આચાર્યા હેતલબેન પરમારે કર્યું હતું.

ધરમપુર પાલિકા વિસ્તારમાં વિકાસ કાર્યો પર એક નજર…

ધરમપુર નગરપાલિકા દ્વારા પાલિકાનું પોતાનું ભવન બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૪માં જૂનું મકાન ડીમોલિશન કરી “ક” વર્ગની કેટેગરી મુજબ નવું ભવન બનાવવા માટે રૂ. ૫,૮૨,૫૨,૬૦૦ ની ફાળવણી કરાતા બાંધકામ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આગામી બે વર્ષમાં આ ભવન તૈયાર થઈ જશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સીટી સિવિક સેન્ટર, પહેલા માળે વિવિધ વિભાગોની ઓફિસ, બીજા માળે કોનફરન્સ હોલ બનાવવામાં આવશે. પાલિકાનું બિલ્ડીંગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર સિસ્ટમથી સજ્જ હશે.
આ સિવાય ધરમપુર નગરના બાયપાસ સ્ટેટ હાઇવે પર ગંદા પાણીના નિકાલ માટેની ઘણા સમયથી સમસ્યા હતી, જે ગંદા પાણીના નિકાલ માટે ત્રણ દરવાજા સર્કિટ હાઉસ પાસેથી રાજમહેલ સ્કૂલ થઈ આસુરા સર્કલ સુધી રોડની બંને બાજુ ૩.૫ કી. મી.ની ગટર લાઈન રૂ. ૨,૪૮,૦૨,૮૬૫ ના ખર્ચે નાખવામાં આવશે અને વનમાળી પાર્ક પાસે પંપિંગ સ્ટેશન બનાવી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવશે.
આ સિવાય ધરમપુર પાલિકા વિસ્તારમાં મહારાણી કુશળ કુંવરબા તળાવમાં આવેલા ઐતિહાસિક દેરીઓને રૂ.૧,૫૯,૯૭,૬૯૬ ના ખર્ચે જમીન સ્તરે લઈને રીડેવલોપમેન્ટ સાથે લેન્ડ સ્કેપિંગ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!