માર્ગ મકાન વિભાગમાં વધુ પડતાં કામનાં ભારણથી એંજીનીયરો ડિપ્રેશનનો શિકાર: ખાલી જગ્યા ભરાવવાં ઇજનેરો આંદોલનના માર્ગે

ગુજરાત એલર્ટ । ગાંધીનગર
રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગમાં વર્ગ ૨ અને વર્ગ ૩ ના તાંત્રિક અધિકારી/કર્મચારીઓની સરેરાશ ૫૯ ટકા જગ્યાઓ ખાલી હોઈ વધારાનો ચાર્જ આપી કર્મચારીઓને માનસિક તાણ અપાતો હોઈ ગુજરાત એસોસિયેશન ઓફ આસિસ્ટન્ટ એન્જીનીયર્સે સચિવને ખાલી જગ્યા ભરવાં રજૂઆત કરી છે. ઉપરાંત મોટા બ્રિજ, રસ્તા, અગત્યના મકાનો વગેરેમાં “એક સાઈટ એક ઇજનેર”ની નીતિનું ચુસ્તપણે અમલીકરણ કરાવવાની માંગ કરાઈ છે.
રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 2/3 ના અનેક નાયબ ઈજનેર અને મદદનીશ ઇજનેરો સામે તાજેતરમાં સસ્પેનશનની કાર્યવાહી કરાઈ છે. જે બાદ ગુજરાત એસોસિયેશન ઓફ આસિસ્ટન્ટ એન્જીનીયર્સે માર્ગ અને મકાન વિભાગનાં સચિવને ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી છે. જેમાં કરાયેલી માંગ મુજબ વિભાગના તમામ તાંત્રિક અધિકારી- કર્મચારીઓની ચોક્કસ કાર્યપધ્ધતિ (Standard Operating Procedure – SOP) તાત્કાલિક ધોરણે, સામાન્ય ઠરાવ સ્વરૂપે બહાર પાડવી. માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા તાંત્રિક અધિકારીઓ-કર્મચારીઓને અન્ય વિભાગો દ્વારા બિનતાંત્રિક કામગીરીઓની સોંપણી કરવામાં ન આવે એવો પરિપત્ર વહેલાસર બહાર પાડવામાં આવે. વિભાગના તમામ તાંત્રિક અધિકારી-કર્મચારીઓનીઓના કામના ચોક્કસ કલાકો નિયત કરવા. કામના નિશ્ચિત કલાકોની કોઈ ચોક્કસતા ન હોઈ, અધિકારી / કર્મચારી પોતાના માટે તેમજ પોતાના પરિવાર માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. તેમજ ઘણા બધા અધિકારી / કર્મચારીઓ તે કારણસર અનેક માનસિક / શારીરિક બીમારીઓના ભોગ બનેલ છે.

વિભાગમાં હાલની ભરાયેલ મંજૂર મહેકમ પરિસ્થિતીના આધારે વર્ગ ૨ અને વર્ગ ૩ ના તાંત્રિક અધિકારી / કર્મચારીઓની સરેરાશ ૫૯ ટકા જેટલી નોંધપાત્ર ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. વિભાગના છેલ્લા પાંચ વર્ષના બજેટમાં ૧૫૪ % જેટલો માતબર વધારો થયેલ છે જ્યારે વિભાગમાં ક્ષેત્રીય કક્ષાએ તાંત્રિક સ્ટાફની ફકત ૪૧ % જગ્યાઓ ભરાયેલ છે જે આ વિભાગ માટે અતિ ગંભીર બાબત છે તથા વિકાસની કામગીરીઓ માટે એક વોર્નિંગ એલાર્મ સ્વરૂપે અત્યંત ગંભીર બાબત છે. જે વધારાના ચાર્જમાં લાંબા સમયથી ચલાવવામાં આવે છે. આથી વિનંતી કે સદર ખાલી જગ્યાઓ તાત્કાલિક યુધ્ધ ના ધોરણે ભરવામાં આવે. તેમજ મોટા કામો જેવા કે, બ્રિજ । રસ્તા / અગત્યના મકાનો વગેરેમાં “એક સાઈટ એક ઇજનેર”ની નીતિ નું ચુસ્તપણે અમલીકરણ કરાવવામાં આવે. વિશેષ માં, વર્ગ ૨ અને વર્ગ ૩ નું મહેકમ ઘણા વર્ષો થી એ જ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં માર્ગ અને મકાન વિભાગના બજેટમાં ૧૫૪ % જેટલો માતબર વધારો થયેલ છે પરંતુ વિભાગના મંજૂર મહેકમ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી ફેરવિચારણા (Cadre Strength Review) કરવામાં આવેલ નથી. જે અંગે મહેકમ વધારવા બાબતની પુનઃ વિચારણા તાત્કાલિક હાથ ધરી યોગ્ય કાર્યવાહી થાય.
ફરજમોકુફીના કિસ્સાઓમાં પગલાં લેતા પહેલાં જે તે કર્મચારી / અધિકારીને પણ પોતાનો પક્ષ રાખવાનો મોકો આપવામાં આવે તથા તમામ હકીકતની ચકાસણી કર્યા બાદ જ આવું આત્યંતિક પગલું ભરવામાં આવે.
દરેક ઇજનેરોને સ્પર્શતા આ પ્રશ્ર્ન માટે ગુજરાતમાંથી લગભગ 400 જેટલાં ઇજનેરોએ સચિવાલયમાં હાજર રહીને પોતાની વાજબી માંગ સંતોષવા રજૂઆત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!