ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’’ અંતર્ગત જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ વલસાડના મોરારજી દેસાઈ ઓ઼ડિટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, બાળકોને શિક્ષણ તરફ વાળનાર શિક્ષકો, સરપંચ, બી.આર.સી., સી.આર.સી., અને બી.આર.પી. અને વાલીઓ મળી કુલ ૪૩ લોકોનું મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ મોટા પ્રમાણમાં હતો, જેમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો તો ઘણો મોટો હતો. તે સમયે નરેન્દ્રભાઈએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી અને દીકરો હોય કે, દીકરી તમામને આંગળી પકડી શાળા તરફ હર્ષોલ્લાસભેર દોરી જવામાં આવે છે. જેના ફળસ્વરૂપે હવે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને ઝીરો તરફ જઈ રહ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ માટે કોઈપણ કચાશ રાખતી નથી. સાથે રાજ્ય સરકાર પારદર્શક રીતે શાળામાં શિક્ષકો ની ભરતી કરી રહી છે. આ બધા આમૂલ પરિવર્તનના કારણે હવે સરકારી શાળા પણ ખાનગી શાળાઓને ટક્કર મારી રહી છે. મને જણાવતા આનંદ થાય છે કે, આપણા શિક્ષકો, સરપંચો અને વાલીઓની જાગૃત્તા અને મહેનતના કારણે ચાલુ વર્ષમાં ૬૦૬૦ વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે. જે બદલ સૌ અભિનંદનને પાત્ર છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણા જિલ્લામાં ઉદ્યોગ, ધંધા અને રોજગારની અનેક તકો હોવાથી લોકો સ્થળાંતર કરતા નથી પરંતુ અન્ય રાજ્યો કે જિલ્લામાંથી લોકો અહી આવી રહ્યા છે. ત્યારે આપણા જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી જાય તે ચલાવી લેવાશે નહી. શિક્ષણનું કેટલુ બધુ મહત્વ છે તે આપણને બધાને ખબર જ છે. શિક્ષકોએ બાળકોને પૂરતો સમય આપવાનો હોય છે. કોઈપણ રીતે સમયસર શાળામાં પહોંચી જવુ જોઈએ. નવા ભારતના ઘડતર માટે શિક્ષકોનું દાયિત્વ ખૂબ જ મહત્વનું છે. મહિનામાં એક વાર વાલીઓને બોલાવી તેમની સાથે મીટિંગ કરો, બાળકના અભ્યાસ અંગે વાત કરો તો વાલીઓ સાથે પણ આત્મીયતા કેળવાશે.

તાજેતરમાં આવેલા પુરનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી જતા નાશ પામ્યા હતા, જેથી મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી દ્વારા ત્વરિત નવા પાઠ્ય પુસ્તકો બાળકો સુધી પહોંચાડાયા છે. પુરના કારણે સ્કૂલોમાં કમ્પ્યુટર બગડી ગયા તો વીમા કંપનીઓને સૂચના આપી છે. આમ, સરકાર શિક્ષણ માટે કોઈ કચાશ રાખતી નથી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે.પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ઉજ્જળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ અને સરપંચ સહિત ગામના આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. સાથે જ વિદ્યાર્થીઓ પણ અભિનંદનને પાત્ર છે જેઓ વિદ્યા દાન મેળવી રહ્યા છે. શિક્ષણ માટેની અમૂલ્ય તક બધાને નથી મળતી જેથી મન લગાવી ભણજો અને ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી શુભેચ્છા પાઠવુ છું. નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરી પ્રમુખશ્રીએ વધુમાં કહ્યું કે, બાળક ગર્ભમાં હોય ત્યારથી જ સરકાર ચિંતિત થઈ સેવા કરી રહી છે. જેમાં પણ નવી શિક્ષણ નીતિથી ઘણો બદલાવ આવ્યો છે. હવે નોકરી કરવી જ એક માત્ર વિકલ્પ નથી પરંતુ સ્કિલ દ્વારા ધંધામાં પણ સારી આવક મેળવી શકાય છે. નવી પોલીસીમાં વોકેશનલ ટ્રેનિંગ કોર્સની શરૂઆત કરી છે. આ સિવાય હવે એક સાથે બે ડિગ્રી પણ મેળવી શકાય છે.
કાર્યક્રમમાં વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, ધરમપુર, પારડી અને નાનાપોંઢાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન ચૌધરી, કિન્નરીબેન પટેલ અને મનિષાબેન પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીલાલ ગાંવિત, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
