વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની અમલીકરણ બેઠક યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.
વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન તથા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના વિકસે તે હેતુસર તા.૨૫/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન, સ્થળ, વ્યવસ્થા, સંકલન તથા અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
સંસ્કૃત સપ્તાહ મહોત્સવના આ કાર્યક્રમો દ્વારા વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધે, વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તથા સંસ્કૃતના પ્રચાર-પ્રસારને વેગ મળે તેવો મુખ્ય ઉદ્દેશ છે. બેઠકમાં જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમો પર એક નજર

(૧) સંસ્કૃત ગૌરવ યાત્રા – તા.૨૫/૦૮/૨૦૨૬
તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ કલેક્ટર કચેરી, વલસાડ ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે. આ યાત્રામાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાશે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવપૂર્ણ પરંપરાને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

(૨) સંસ્કૃત સંભાષણ દિવસે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન – તા.૨૭/૦૮/૨૦૨૬
તા.૨૭/૦૮/૨૦૨૬ના રોજ સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ગોષ્ઠી યોજાશે. સંસ્કૃત ભાષાના દૈનિક વ્યવહારમાં ઉપયોગ તથા સંવાદક્ષમતાને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ધો. ૧૦ અને ૧૨માં સંસ્કૃત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાશે. આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને અન્ય વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત વિષય પ્રત્યે પ્રેરિત થાય તેવો ઉદ્દેશ છે.

(૩) સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃત પ્રદર્શન – તા.૨૯/૦૮/૨૦૨૬
તા.૨૯/૦૮/૨૦૨૬ના રોજ સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી નિમિત્તે જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ ખાતે સંસ્કૃત પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. પ્રદર્શનમાં સંસ્કૃત ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ તથા ભારતીય જ્ઞાનપરંપરાને ઉજાગર કરતી વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!