ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઐતિહાસિક વરસાદને પગલે પૂર આવતા ભારે તારાજી સર્જાઈ હતી. આ ગામોમાં જેટલી બને તેટલી ઝડપથી પુનર્વસનની કામગીરી હાથ ધરાઈ તે માટે યુધ્ધના ધોરણે પાલિકા, પંચાયત, ડીજીવીએસએલ, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ તરફથી અનેકવિધ કામગીરીઓ થઈ રહી છે આ સિવાય નુકસાની વળતર માટે કેશડોલ ચુકવવા સર્વેની કામગીરી પણ ગામે ગામે હાથ ધરવામાં આવી છે. જેથી વહેલામાં વહેલી તકે જનજીવન થાળે પડે. આ કામગીરીનું નિરિક્ષણ કરવા માટે અને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન આજરોજ રવિવારે અધિકારીઓ સાથે નીકળ્યા હતા.

ઉમરગામના સંજાણ ગામમાં પહોંચી લેપ્રસી કોલોનીમાં થયેલા નુકસાન અંગે અસરગ્રસ્તો સાથે વાતચીત કરી સહાનુભૂતિ આપી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલી સહાય વિતરણનું નિરિક્ષણ કરી લોકો સાથે વાતચીત કરી તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કલેકટરશ્રી એ સંજાણમાં ચાલી રહેલી સાફ સફાઈ કામગીરીનું નિરિક્ષણ કરી વહેલીતકે સફાઈ કામગીરી પૂર્ણ થાય અને જરૂર પડે તો વધારોનો સ્ટાફ તૈનાત કરવા સૂચના આપી હતી. આ સાથે અસરગ્રસ્તો સાથે થયેલી મુલાકાતમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે પૂર્ણ થાય એટલે વહેલીતકે સહાય ચૂકવવામાં આવશે એવી હૈયાધરપત આપી હતી.
આ મુલાકાત વેળા પારડી પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ, ઉમરગામ મામલતદારશ્રી એચ.એચ.કાકલોતર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને કલેકટરશ્રીએ વહેલીતકે જનજીવન થાળે પડે તે માટે પૂરજોશમાં કામગીરી આટોપવા કડક સૂચના આપી હતી.
