ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં સિટી સર્વે તેમજ જમીન દફતર શાખાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરતાં વહીવટી કામગીરી પર વ્યાપક અસર પડી રહી હોવાનો મુદ્દો વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર પાઠવી કર્મચારી સંગઠનો સાથે તાત્કાલિક સકારાત્મક સંવાદ સાધી હડતાળનો ઉકેલ લાવવા અને અટકેલી કામગીરી ફરી શરૂ કરાવવા રજૂઆત કરી છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ સિટી સર્વે અને જમીન દફતરની કામગીરી બંધ રહેતાં નવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને અસર થઈ રહી છે. માપણી શીટ, સિટી સર્વે નકશા, પ્રોપર્ટી કાર્ડ અપડેટ, ટાઇટલ ક્લિયરન્સ તેમજ બિનખેતી (NA) સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયાઓ અટકી જવાથી પ્લાન પાસિંગ અને જરૂરી પરવાનગીઓ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છેહડતાળની અસર સામાન્ય નાગરિકો પર પણ પડી રહી હોવાનું એસોસિએશને જણાવ્યું છે. તાજા પ્રોપર્ટી કાર્ડ અને માપણી અહેવાલ ઉપલબ્ધ ન થતાં ઘર કે દુકાન ખરીદનારાઓને હોમ લોન અને મોર્ગેજ મંજૂર કરાવવામાં તેમજ લોન ડિસ્બર્સમેન્ટમાં મુશ્કેલી પડી રહી છે. વારસાઈ નોંધ, હક્ક કમી, વહેંચણી અને બક્ષિસ દસ્તાવેજો સંબંધિત કામગીરી પણ અટકી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કડિયા, સુથાર, પ્લમ્બર, ટ્રાન્સપોર્ટર્સ, નાના વેપારીઓ અને બાંધકામ સામગ્રીના સપ્લાયર્સ સહિતના લોકોની રોજગારી પર પણ તેની અસર પડી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવી સાઇટો શરૂ ન થવાથી દૈનિક મજૂરી પર નિર્ભર પરિવારો સામે આજીવિકાનું સંકટ ઊભું થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત નવા ઔદ્યોગિક એકમો માટે જરૂરી જમીન માપણી, સીમાચિહ્નોની ખાતરી, લે-આઉટ વેરિફિકેશન અને ટાઇટલ વેરિફિકેશનની કામગીરીમાં વિલંબ થતાં નવા રોકાણો અને ઔદ્યોગિક વિકાસની ગતિ પર પણ અસર થવાની રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે દસ્તાવેજ રજિસ્ટ્રેશન, નકશા ફી, માપણી અરજીઓ અને વિવિધ પ્રીમિયમની વસૂલાત સાથે જોડાયેલી કામગીરી અટકતાં રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી સહિતની આવકમાં પણ નુકસાન થઈ રહ્યું છે.
વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને મુખ્યમંત્રીને અપીલ કરી છે કે રાજ્ય અને પ્રજાના વ્યાપક હિતમાં કર્મચારી સંગઠનો સાથે તાત્કાલિક બેઠક યોજી તેમની વ્યાજબી માંગણીઓનો ઉકેલ લાવવામાં આવે અને સિટી સર્વે તથા જમીન દફતરની તમામ અટકેલી કામગીરી તાત્કાલિક પુનઃ શરૂ કરાવવામાં આવે.
