દેશના વિવિધ રાજ્યોમાંથી ઉમટેલા કલાકારોએ પારડીમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
બાળકોથી લઈને મોટેરાઓમાં રહેલી સુષુપ્ત કલા વિકસે અને તેઓમાં રહેલી પ્રતિભાને એક પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશય સાથે વલસાડના નવરંગ ગૃપ દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલ સિઝન – ૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ ખૂણામાંથી આવેલા કલાકારોએ મંચ પર પોતાની કૌશલ્ય શક્તિના દર્શન કરાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

કલાકારો માટે સદૈવ સમર્પિત રહેલા વલસાડના નવરંગ ગૃપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈન અને તેમની ટીમ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં વલસાડ જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, ચેન્નઈ અને વેસ્ટ બંગાલથી કુલ ૧૮૮ કૃતિઓ માટે સ્પર્ધકોની એન્ટ્રી આવી હતી. કુલ ૩૦૦ સ્પર્ધકોએ રંગમંચ પર વિવિધ રાજ્યની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય, ડાન્સ, ફેશન શો, સંગીત, સુર સરતાજ થીમ હેઠળ સિગિંગ અને જાદુની કલા સહિત વિવિધ કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાને મંચ પર રજૂ કરતા ખીચોખીચ ભરેલા હોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પ્રેક્ષકોએ કલાકારોના હુનરને તાળીના ગડગડાટથી વધાવી લીધા હતા.

વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, શિલ્ડ, સન્માન પત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ તેમજ સાંભળી અને બોલી ન શકનાર કલાકોરોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાના દર્શન કરાવી સૌને અચંબો પમાડ્યો હતો.

આ સમારોહ બિમલભાઈ અને છાયાબેન શાહ, ડિવાઈન સારથી ચેરીટેબલ ટ્રસ્ટના નિરંજનભાઈ અને બીનાબેન મિસ્ત્રી, ઉમેશ કે.પાંચાલ, સંજ્ય અને જયના જૈન, શ્રીપાલ અને રીના જૈન તેમજ અજય અને જ્યોતિ પટેલના સહયોગથી યોજાયો હતો. જેમાં વિશેષ અતિથી તરીકે જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલ ધર્મપત્ની અનિતાબેન પટેલ, જૈન ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી મુલેશભાઈ અને અલકાબેન મહેતા, ધરમપુરની રેફરલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. જિતેશ રાઉત, રાજેશભાઈ હરીયા અને શિક્ષક વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
નવરંગ ડાન્સ ગૃપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, આપણા દેશના કલાકારો વિશ્વની પ્રતિભા બને તે માટે નવરંગ ગૃપ ૨૨ વર્ષથી કાર્યરત છે. આ જ મંચ પરથી અનેક કલાકારો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળી ચૂકયા છે. જે બદલ નવરંગ ગૃપ ગૌરવ અનુભવે છે. આગામી દિવસોમાં પણ નવરંગ ગૃપ કલાકારો માટે સતત કાર્યરત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મયુરિકા ગોયલે કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!