ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પારડી તાલુકામાં આવેલી જ્યોતિ પ્લાસ્ટિક કંપની ખાતે કંપનીના કર્મચારીઓ માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ (POSH Act) અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા POSH અધિનિયમ-૨૦૧૩ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કંપનીમાં આંતરિક સમિતિ (Internal Committee)ની રચના, તેની જવાબદારીઓ અને કામગીરી તેમજ મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવા અંગે સમજ આપવામાં આવી હતી. ભારત સરકારના SHE-Box પોર્ટલ અંગે માહિતી આપતાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં આંતરિક સમિતિની રચના કરી તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
DHEWનાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ જિગ્નિશાબેન પટેલ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

વધુમાં, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, વલસાડનાં કેસ વર્કર પ્રિયાબેન દ્વારા સેન્ટરની કામગીરી તથા મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), વાપીનાં કાઉન્સેલર નેહાબેન પટેલ દ્વારા કેન્દ્રની કામગીરી અને મહિલાઓને મળતા કાઉન્સેલિંગ તથા સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધે અને કાર્યસ્થળે સુરક્ષા અંગે સમજ કેળવાય તે હેતુથી ‘પ્રતિકાર’ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓના પેમ્પલેટ(IEC) તથા જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સોહિલ ચૌહાણ, પ્રોટેક્શન ઓફિસર (ઇનચાર્જ), કંપનીના મેનેજર DHEWના કર્મચારીઓ, ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, PBSC વાપીના કર્મચારીઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વાપી/ઉમરગામના કર્મચારીઓ તેમજ પારડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જાગૃતિ સેમિનારમાં કંપનીની કુલ ૧૧૦ મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
