ગુજરાત એલર્ટ | ધરમપુર
લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર તથા ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મંડાલા આર્ટ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલા આ વર્કશોપમાં આશરે 100 જેટલા બાળકો, યુવા-યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ અનોખી કલાશૈલી શીખી હતી.

મંડાલા આર્ટ વર્તુળાકાર, સમમિત (Symmetrical) અને ભૂમિતીય આકારો પર આધારિત પ્રાચીન ભારતીય કલાશૈલી છે. ‘મંડલ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ ‘વર્તુળ’ અથવા ‘પવિત્ર ચક્ર’ થાય છે. આ કલાનો ઉપયોગ ધ્યાન (Meditation), એકાગ્રતા, માનસિક શાંતિ તેમજ ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને મંદિર સ્થાપત્યમાં પણ થતો આવ્યો છે. આજે મંડાલા આર્ટ ઘર સજાવટ, ચિત્રકામ, ટેટૂ, કપડાંની ડિઝાઇન અને આર્ટ થેરાપી જેવા અનેક ક્ષેત્રોમાં લોકપ્રિય બની છે.
વર્કશોપમાં મુંબઈથી ખાસ પધારેલા પ્રમાણિત મંડાલા કલાકાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીમતી કોમલબેન ગોરીએ સહભાગીઓને મંડાલા આર્ટની વિવિધ પદ્ધતિઓ અને તેની વિશેષતાઓ અંગે માર્ગદર્શન આપી પ્રાયોગિક તાલીમ આપી હતી.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મયંકભાઈ મોદી, ચીફ ઓફિસર ડૉ. વિજય ઈટાલિયા, લાઈબ્રેરી ચેરમેન શ્રીમતી દીપમાલા ચોનકર, પાલિકા સભ્ય શ્રી સમીપભાઈ રાંચ તથા શ્રીમતી ભક્તિબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કાર્યક્રમની સફળતા બદલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના સ્ટાફ તેમજ તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા કૌશલ્ય વિકાસલક્ષી કાર્યક્રમોને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
વર્કશોપના સફળ આયોજન માટે લેડી વિલ્સન મ્યુઝિયમના ક્યુરેટર ઇન્દ્રાબેન વત્સ તથા તેમની ટીમ અને શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીના લાઈબ્રેરિયન નિમેષભાઈ ભટ્ટ તથા ધરમપુરના તબીબ ડો યોગેશભાઈ વડોરે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
