વાપીના કોપરલીમાં ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’માં લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પ સાથે નીકળેલી વિકસિત ભારત યાત્રા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કોપરલી ગામમાં આવી પહોંચતા વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલ અને વાપી તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવાની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ હર્ષોલ્લાસભેર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યુ હતું.

​આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ પટેલે જણાવ્યું કે, પ્રજાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તેવા શુભ આશય સાથે નીકળેલી આ યાત્રા ગામે ગામ ફરી કોપરલી ગામમાં આવી પહોંચી છે ત્યારે તમામ લોકોને જણાવવાનું કે, જે કોઈ પણ સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત હોય તો તે પોતે પણ યોજનાનો લાભ લે અને જે વંચિત હોય તે લોકોને પણ લાભ અપાવે જેથી વિકસિત અને સશક્ત ભારતનું નિર્માણ થઈ શકે.

કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારથી આજે સરકારી શાળા અને દવાખાનાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ થતા સરકારી શાળા અને દવાખાના પ્રાઈવેટ સ્કૂલ અને હોસ્પિટલોને પણ ટક્કર મારે એવા બની રહ્યા છે. આઝાદીના ૧૦૦ વર્ષ ૨૦૪૭માં પૂરા થશે ત્યારે આપણે આપણા દેશની આન, બાન અને શાન સમાન ગણાતો તિરંગો વિકસિત રાષ્ટ્ર તરીકે લહેરાવીશુ એવો આપણે બધાએ સંકલ્પ લેવાનો છે. ભારત દેશને મહાસત્તા તરફ લઈ જવા માટે આપણે સૌ એ પ્રયાણ કરવાનું છે. વાપી તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવાએ જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિ, ધર્મના ભેદભાવ વિના તમામ યોજનાના લાભ લોકોને મળી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાના લાભ લેવાથી જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે છે તે અહીં આપ સૌ સમક્ષ રજૂ થયેલી લાભાર્થીઓની સાફલ્ય ગાથા દ્વારા જાણી શકાય છે. જેથી પણ યોજનાના લાભથી વંચિત હોય તે અવશ્ય લાભ લે એવી સૌને અપીલ છે. કાર્યક્રમમાં વાપીના મદદનીશ ખેતી નિયામક તુષારભાઈ પટેલ, ગામના સરપંચ ઉષાબેન હળપતિ, કોપરલી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. ગરાસિયા, આઈસીડીએસ વિભાગના આરતીબેન, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સુરેશ પટેલ, માજી સરપંચ દિનેશ હળપતિ અને વિસ્તરણ અધિકારી પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

​આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નેનો યુરિયા કીટ, હાઈજીન કીટ, પોષણ કીટ, ઉજવલા યોજના હેઠળ ગેસ કીટ, આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાના લાભનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામની શાળાના વિદ્યાર્થીઓએ વસુધૈવ કુટુંબકમ થીમ પર નાટક રજૂ કર્યુ હતું. ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સરકારની વિવિધ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓએ યોજનાના લાભથી પોતાને થયેલા ફાયદા અંગે સાફલ્ય ગાથા દ્વારા સૌને માહિતગાર કરી લોકોને પણ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારતના સામૂહિક શપથ લીધા હતા. સરકારની ૧૭ ફલેગશીપ યોજનાઓ અંગેના સ્ટોલ વિવિધ સરકારી વિભાગો દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. જેના દ્વારા લોકોને સરકારની યોજનાની માહિતી અને લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આરોગ્યના કેમ્પમાં ૧૭૫, ટીબીની તપાસ ૧૦ અને સિકલસેલની તપાસ ૧૨૪ લોકોએ કરાવી હતી. ઉજવલા યોજના હેઠળ ૧૭ લોકોની નોંધણી થઈ હતી. કુલ ૩૬૨ આયુષ્યમાન કાર્ડ બનાવાવમાં આવ્યા હતા જેમાંથી સ્થળ પર ૧૦૨ લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!