ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન તથા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના વિકસે તે હેતુસર સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીનો તા. ૨૫ ઓગસ્ટથી પ્રારંભ થતા સવારે ૯ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે શ્રીફળ વધેરી કલેકટર કચેરીથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, પ્રોબેશનરી આઈએએસ શ્રી પિયુષ ઘટાલા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

વેદ મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી આ સંસ્કૃત ગૌરવ યાત્રા કલેકટર કચેરીથી સર્કિટ હાઉસ થઈ આઝાદ ચોક (ટાવર) થી સ્ટેડિયમ રોડથી એસટી ડેપોથી પુનઃ કલેકટર ખાતે પહોંચી હતી.

જ્યાં યાત્રાનું સમાપન થયું હતું. યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજ્યા હતા. સાથે સમસ્ત માર્ગો ઉપર સંસ્કૃતમાં વેદ મંત્રોચ્ચાર અને રથ પર ઋુષિ મુનિઓના વેશમાં વિદ્યાર્થીઓ દ્વારા – યજ્ઞ પણ ચાલી રહ્યો હતો.

વેદ- ઉપનિષદો અને રામાયણ ગ્રંથની પ્રતિકૃતિ પણ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે જ રામ, સીતા અને લક્ષ્મણના વેશમાં વિદ્યાર્થીઓ સમગ્ર યાત્રા દરમિયાન જોવા મળતા શહેરના માર્ગો જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા.દરેક વિદ્યાર્થીના હાથમાં સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટેના બેનરોથી લોકોમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યેનું ગૌરવ વધ્યું હતું. વલસાડની વિવિધ શાળાના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં શિસ્તબધ્ધ રીતે જોડાયા હતા.

સંસ્કૃત સપ્તાહ મહોત્સવના આ કાર્યક્રમો દ્વારા વલસાડ જિલ્લામાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધે, વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તથા સંસ્કૃતના પ્રચાર-પ્રસારને વેગ મળે તેવો મુખ્ય ઉદ્દેશ છે.

આ યાત્રામાં વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી એલ. ટંડેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિમાલી જોશી, શાળાના શિક્ષકો, અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ જોડાયા હતા. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવપૂર્ણ પરંપરાને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
