ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતી પ્રસુતાને સીએચસીમાં પ્રસવ પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી, જો કે હોસ્પિટલમાં ખસેડે તે પહેલા જ રસ્તામાં સ્થિતિ કટોકટીભરી બનતા ૧૦૮ના ઈએમટી અને પાયલોટે તાત્કાલિક પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુને સમયસર સારવાર પુરી પાડી જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડાની IFT (ઈન્ટર ફેસીલીટી ટ્રાન્સપોર્ટ) ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એક સગર્ભા માતાને સીએચસી કપરાડાથી વધુ સારવાર માટે રાજચંદ્ર હોસ્પિટ ધરમપુર ખાતે રિફર કરવામાં આવી રહી હતી. સગર્ભા માતા ત્રીજી વખત પ્રસૂતિ કરી રહી હોવાથી તેમજ પ્રેગ્નેન્સી પૂરા મહિનાની ન હોવાથી આ કેસ જોખમી હતો. આ પરિસ્થિતિમાં સીએચસી કપરાડા ખાતે પ્રસૂતિ કરાવવી શક્ય ન હોવાથી તેમને રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે રિફર કરવામાં આવી રહ્યા હતા, આ દરમિયાન ધરમપુરના કાકડકુવા ગામમાં સગર્ભા માતાને પ્રસૂતિની પીડા વધી જતાં EMT રોશની રાઉત અને પાયલોટ ઉમેશ નાયકાએ તાત્કાલિક પરિસ્થિતિને સંભાળી ૧૦૮ને રસ્તાની સાઇડમાં લઈ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. અમદાવાદ હેડ ઓફિસના ERCP ડૉ. વંશ ના માર્ગદર્શન હેઠળ જરૂરી ઇન્જેક્શન અને તબીબી સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે દર્દીના સગા ધરમપુર સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા માગતા હોવાથી દર્દીને સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કામગીરી દરમિયાન ૧૦૮ની ટીમે ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દર્દીના પરિવારજનોએ કટોકટીના સમયે મદદરૂપ થવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
