ગુજરાત એલર્ટ | વલસાડ
૭૨ કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પ્રવાસના પ્રથમ દિવસે વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકા ખાતે સવારે આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે નાનાપોંઢા બિરસા મુંડા સર્કલ પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રધ્ધાપૂર્વક પૂજા કરી જલ અને દૂધથી શિવજીનો અભિષેક કર્યો હતો.

મહાદેવની આરતી કરી મંત્રી ઈશ્વરસિંહ પટેલે વલસાડ જિલ્લાની પ્રજાની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મંત્રી ઈશ્વરસિંહ ત્યારબાદ નજીકમાં જ આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી નમન કર્યુ હતું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી નાનાપોંઢા ગુંજી ઉઠ્યુ હતું.

આ પ્રસંગે કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ મનિષાબેન પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ગાવઢાં, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ સમિતિના ચેરમેન દક્ષાબેન ચૌધરી, જિલ્લા સંગઠનના મહામંત્રી વિપુલભાઈ ભોયા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
