દુબઈની જેલમાં મુલાકાત અને 5 કરોડની ખંડણી માટે પંજાબથી વાપી 3 જણા ટ્રેનમાં આવી ચડ્યા: વાંચો વાપીમાં જ્વેલર્સ પર હુમલાની કહાની

ગુજરાત એલર્ટ | વાપી
દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનના ઇશારે વાપીના એક સોનાના વેપારી પાસેથી રૂ. 5 કરોડની ખંડણી પડાવવાનું કાવતરું ઘડાયું હતું. પહેલાં વોટ્સએપ કોલ અને વોઇસ મેસેજથી ખંડણીની ધમકી આપવામાં આવી અને ત્યારબાદ પંજાબથી આવેલા ત્રણ શખસોને વેપારી પર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વેપારીની દુકાનની રેકીથી લઈને હુમલાના આયોજન સુધીની તમામ ગતિવિધિઓનું સંકલન કરવામાં આવ્યું હતું. અંતે વાપીના મહાત્મા ગાંધી માર્કેટ સ્થિત અભિષેક જ્વેલર્સના વેપારીના નાના ભાઈ પર છરી અને કોયતા જેવા ધારદાર હથિયારોથી જીવલેણ હુમલો કરાયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે હુમલાનો વીડિયો પણ ઉતારી દુબઈમાં બેઠેલા હેરી ઢીલ્લોનને મોકલવામાં આવ્યો હતો. જોકે, ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓનો વલસાડ જિલ્લા પોલીસની LCB, SOG અને વાપી ટાઉન પોલીસની સંયુક્ત ટીમે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી પંજાબના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો મુજબ, તા. 03/11/2026ના રોજ ફરિયાદીને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ અને વોઇસ મેસેજ આવ્યા હતા. તેમાં હેરી ઢીલ્લોનનો ઉલ્લેખ કરી ફરિયાદી પાસે રૂ. 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો માંગેલી રકમ નહીં આપવામાં આવે તો ફરિયાદી અને તેના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ વેપારી પરિવાર પર ભયનું વાતાવરણ ઊભું થયું હતું. દરમિયાન તા. 17/11/2026ના રોજ આ કાવતરાને અંજામ આપવા વેપારીના નાના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

વાપીના મહાત્મા ગાંધી માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરમાં આવેલી ફરિયાદીની દુકાનના નાના ભાઈ બપોરના સમયે જનરલ વોશરૂમમાં ગયા હતા. વોશરૂમમાંથી બહાર આવી દરવાજો લોક કરી રહ્યા હતા તે જ સમયે હુમલાખોરોએ તેમનો પીછો કરી અચાનક હુમલો કર્યો હતો. આરોપી લવપ્રીતસિંહ નિર્મલસિંહ અને અમોલકસિંહ બક્ષીસસિંહે છરી અને કોયતા જેવા ધારદાર હથિયારોથી માથાના પાછળના ભાગે તથા પીઠ પર ઘા ઝીંક્યા હતા. હુમલામાં તેમને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.
હુમલા બાદ આરોપીઓ ભાગવા લાગ્યા ત્યારે લવપ્રીતસિંહ સ્થળ પરથી પકડાઈ ગયો હતો, જ્યારે તેની સાથેના અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ખંડણી અને હત્યાના પ્રયાસના આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને વાપી ટાઉન પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસ ટીમોએ ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન LCB વલસાડના PSI જે.જી. પરમારની ટીમને મળેલી બાતમીના આધારે જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંહ અને અમોલકસિંહ બક્ષીસસિંહને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ હુમલા બાદ સ્થળ પરથી પકડાયેલા લવપ્રીતસિંહ સહિત ત્રણેય આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા હતા. ત્રણેય આરોપીઓને વાપીની નામદાર કોર્ટમાં રજૂ કરતાં આઠ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ SOG વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર કરી રહ્યા છે.
આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં LCB વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝ, SOG વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. ઝાલા, LCBના PSI જે.જી. પરમાર તથા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PSI આર.ડી. પાટીલ અને આર.કે. પ્રજાપતિ સહિત LCB, SOG અને વાપી ટાઉન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓએ ટીમવર્કથી કામગીરી કરી હતી.
દુબઈમાં બેઠેલા કથિત સૂત્રધારના ઇશારે પંજાબથી વાપી આવી હુમલો કરવાના આ ગંભીર કાવતરાનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મેળવી છે.

દુબઈની જેલમાં થઈ હતી હેરી ઢીલ્લોન અને જુગરાજની મુલાકાત
આ ગુનાની તપાસ દરમિયાન કાવતરાના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંહ વર્ષ 2024થી 2026 દરમિયાન દુબઈમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આ સમયગાળા દરમિયાન દુબઈમાં અકસ્માતના ગુનામાં તે અલબરસા જેલમાં સાત દિવસ માટે કેદ રહ્યો હતો. જેલમાં તેની મુલાકાત પંજાબના માનસા જિલ્લાના મૂળ વતની હરજીન્દરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોન સાથે થઈ હતી. હેરી ઢીલ્લોન દુબઈમાં જોરાવરસિંહ સિદ્ધુ ઉર્ફે સીપાના મર્ડર કેસમાં જેલમાં બંધ હતો અને પોતાની ઓળખ ગેંગસ્ટર તરીકે આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ત્યારબાદ જુગરાજને દુબઈમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે પંજાબ પરત ફર્યો હતો. જોકે, હેરી ઢીલ્લોન સાથે તેનો સંપર્ક વોટ્સએપ કોલ મારફતે ચાલુ રહ્યો હતો. પોલીસ તપાસમાં અગાઉ મુંબઈમાં ઇન્ટિરિયર ડેકોરેટેડ સર્વિસની ઓફિસમાં તોડફોડ કરાવવાનું કામ પણ હેરી ઢીલ્લોને જુગરાજને સોંપ્યું હોવાનું સામે આવ્યું છે. જુગરાજે આ કામ પોતાના સાગરીતો મારફતે કરાવ્યું હતું.

વાપીના સોની પર હુમલો કરવા દરેકને રૂ. 50 હજાર આપવાનું નક્કી
આશરે વીસ દિવસ પહેલાં હેરી ઢીલ્લોને જુગરાજ ઉર્ફે યુવરાજને વાપીના સોનાના વેપારીને ડરાવવા અને ધમકાવવા માટે તેના પર હુમલો કરવાનું કામ સોંપ્યું હતું. આ કામના બદલામાં દરેકને રૂ. 50,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી જુગરાજે પોતાના ઓળખીતા લવપ્રીતસિંહ અને અમોલકસિંહને સાથે રાખી હુમલાનું આયોજન કર્યું હતું.

12 નવેમ્બરે અમૃતસરથી ટ્રેનમાં વાપી પહોંચ્યા, ગેસ્ટ હાઉસમાં રોકાયા
હુમલાની યોજના મુજબ ત્રણેય આરોપીઓ તા. 12/11/2026ના રોજ અમૃતસરથી ટ્રેનમાં બેસીને વાપી પહોંચ્યા હતા. તા. 13/11/2026ના રોજ તેઓ વાપીના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. આ દરમિયાન હેરી ઢીલ્લોને નિશાન બનાવવામાં આવેલા વેપારીનું લોકેશન અને ફોટો આરોપીઓને મોકલાવ્યાં હતાં. તેના આધારે આરોપીઓ અભિષેક જ્વેલર્સ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ ભાડેથી મોપેડ મેળવી દુકાન અને આસપાસના વિસ્તારમાં રેકી કરી હતી. આમ, હુમલાને અંજામ આપતાં પહેલાં વેપારીની અવરજવર અને આસપાસના વિસ્તારની જાણકારી મેળવવામાં આવી હતી.

હુમલો કરીને વીડિયો બનાવ્યો અને તરત જ દુબઈ મોકલી દીધો
તા. 17/11/2026ના રોજ ત્રણેય આરોપીઓ ફરી અભિષેક જ્વેલર્સ ખાતે પહોંચ્યા હતા અને આસપાસ વોચ રાખી હતી. વેપારીનો નાનો ભાઈ બપોરના સમયે વોશરૂમ જવા નીકળ્યો ત્યારે આરોપીઓએ તેનો પીછો કર્યો હતો. લવપ્રીતસિંહ પોતાની બેગમાં કોયતો અને અમોલકસિંહ બક્ષીસસિંહ પોતાની બેગમાં છરી લઈને આવ્યો હતો, જ્યારે જુગરાજ ઉર્ફે યુવરાજે હુમલાનો વીડિયો બનાવવાનું નક્કી કર્યું હતું.
બંને હુમલાખોરોએ પાછળથી છરી અને કોયતા વડે વેપારીના નાના ભાઈ પર ઘા ઝીંક્યા હતા. આ દરમિયાન જુગરાજે મોબાઇલમાં સમગ્ર હુમલાનો વીડિયો ઉતારી તાત્કાલિક હેરી ઢીલ્લોનને મોકલી આપ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ રીતે ખંડણીની ધમકીથી શરૂ થયેલું કાવતરું સીધું જીવલેણ હુમલા સુધી પહોંચી ગયું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!