ગુજરાત એલર્ટ | વલસાડ
આદિજાતિ વિકાસ વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે માતાઓ, બહેનો અને દીકરીઓના આત્મવિશ્વાસ તથા સશક્તિકરણ માટે ધરમપુર ખાતે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘મહિલા સંમેલન’ (મહિલા સભા)નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહિલા વક્તા તરીકે પ્રદેશ મહિલા મોરચા મંત્રી સુમનબેન વળવીએ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, દીકરીઓને દૂધપીતી કરવાના અને સતીપ્રથા જેવા કુરિવાજોના સમયથી લઈને આજના આત્મનિર્ભર યુગ સુધી મહિલાઓએ મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારે કન્યા કેળવણી અભિયાન, વિદ્યાલક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના (સાયકલ વિતરણ) થકી દીકરીઓના શિક્ષણને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. તદુપરાંત, પંચાયતોમાં મહિલાઓ માટે અનામત, મહિલા સંચાલિત દૂધ ડેરીઓ અને સખી મંડળોને બેંક લોન દ્વારા આર્થિક સહાય પૂરી પાડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને પોષણ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને ગર્ભવતી માતાઓ માટે પોષણ સહાય જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓના ઉત્કર્ષ અને રાષ્ટ્રીય નેતૃત્વનું સૌથી મોટું ઉદાહરણ આપતા ગર્વભેર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આજે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે શ્રીમતી દ્રૌપદી મુર્મુ બિરાજમાન છે, જે દર્શાવે છે કે યોગ્ય સહયોગ અને તકો મળે તો મહિલાઓ દેશનું સુકાન પણ સફળતાપૂર્વક સંભાળી શકે છે.
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના ગૌરવશાળી ઈતિહાસ અને આદિવાસી સમાજ માટે તેમના બલિદાનને યાદ કરતા જણાવ્યું હતું કે ૨૫ વર્ષની નાની ઉંમરમાં ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો અને મિશનરીઓ સામે ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં આદિવાસીઓના સન્માન માટે ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઘોષિત કર્યો હતો. ભગવાન બિરસા મુંડાએ “આબુઆ દેશમ, આબુઆ રાજ” (આપણો દેશ, આપણું રાજ)નો નારો આપીને અંગ્રેજો સામે આક્રમક લડત આપી હતી. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે અને તેમના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજનો સાચો ઈતિહાસ લોકો સુધી પહોંચી રહ્યો છે.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાથે સાથે વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓને મંજૂરી હુકમોનું તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરોલિયા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, બાંધકામ સમિતિ ચેરમેન ઉર્મિલાબેન બિરારી, તાલુકા વિકાસ અધિકારી ધીરુભાઈ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા સંગઠન એસટી મોરચા પ્રમુખ ધનેશ ચૌધરી, તાલુકા સંગઠન પ્રમુખ કેતન વાળુ, શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરરા, વલસાડ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર ગૌતમ લાદાણી, અગ્રણી ગણેશ બિરારી, સંબંધિત વિભાગના અધિકારીક કર્મચારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
