પત્રકાર વેલ્ફેર એસોસિએશનનો સેવાયજ્ઞ: શ્રમિક પરિવારોનાં બાળકો સાથે પત્રકારોએ ઉજવી દિવાળી, ભેટો આપી ચહેરા પર લાવ્યું સ્મિત

ગુજરાત એલર્ટ | વલસાડ
દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને પ્રકાશ લઈને આવે છે, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે અનેક શ્રમિક પરિવારોનાં બાળકો તહેવારની ખુશીઓથી વંચિત રહી જાય છે. ત્યારે આવા બાળકોની દિવાળી પણ ખુશીઓથી ભરપૂર બને અને તેમના ચહેરા પર સ્મિત ખીલે તેવા ઉમદા આશય સાથે પત્રકાર વેલ્ફેર એસોસિએશન, વલસાડ દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

એસોસિએશનના સભ્યોએ વલસાડ શહેરની વિવિધ બાંધકામ સાઇટ્સ તેમજ શહેરના આંધિયાવાડ વિસ્તારમાં આવેલા ઈંટના ભઠ્ઠાઓ પર જઈ ત્યાં કામ કરતા શ્રમિક પરિવારોનાં બાળકોને નાસ્તો, મીઠાઈ, રમકડાં અને નવાં કપડાંનું વિતરણ કર્યું હતું. અચાનક મળેલી આ દિવાળીની ભેટોથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત છવાઈ ગયાં હતાં. પત્રકારોની ટીમે બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી.

આ સેવાકીય કાર્યક્રમમાં અપૂર્વ પારેખ, નિમેષ પટેલ, હસીન શેખ, અક્ષય કદમ, દિશા દેસાઈ, કાર્તિક બાવીસી, આઝાદ રાઠોડ, દિપક આહિર, માસુમ કાઝી, જયરાજ પટેલ સહિત એસોસિએશનના અનેક સિનિયર પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિરે જણાવ્યું હતું કે, દિવાળીનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે આપણી ખુશીઓમાં સમાજના દરેક વર્ગનો સમાવેશ થાય. શ્રમિક પરિવારોનાં નાનાં બાળકોના ચહેરા પર દિવાળીના અવસરે સ્મિત લાવવાનો અમને ખૂબ આનંદ છે. આ બાળકોને મળેલી નાનકડી ભેટ તેમના માટે ખુશીનું કારણ બની તે જ અમારા માટે સૌથી મોટું સંતોષ અને પ્રોત્સાહન છે.

તેમણે આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે સમય ફાળવનાર અને સહયોગ આપનાર એસોસિએશનના તમામ સભ્યો તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજ પ્રત્યેની સંવેદનશીલતા અને સેવાભાવ સાથે પત્રકાર વેલ્ફેર એસોસિએશને સાબિત કર્યું કે પત્રકારત્વ માત્ર સમાચાર સુધી સીમિત નથી, પરંતુ સમાજના સુખ-દુઃખમાં સહભાગી બનવાની જવાબદારી પણ નિભાવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!