ડિજિટલ યુગમાં બદલાઈ ટપાલની ભૂમિકા, ગામડાંના લોકો માટે ટપાલી બન્યા ‘હરતી-ફરતી બેંક: સ્પીડ પોસ્ટથી લઈને આધાર-પાસપોર્ટ સેવા સુધી, ટપાલ વિભાગ બન્યો જનસેવાનું મજબૂત માધ્યમ

ગુજરાત એલર્ટ | વલસાડ
દર વર્ષે ૯ ઑક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ટપાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ટપાલ સેવાના મહત્વને યાદ કરવાનો નથી, પરંતુ માનવજીવનમાં સંદેશાવ્યવહાર, પરસ્પર વિશ્વાસ અને સામાજિક જોડાણના મહત્વને સમજવાનો અવસર છે.

ડિજિટલ યુગમાં જ્યારે એક ક્લિકથી સંદેશો વિશ્વના કોઈપણ ખૂણે પહોંચી જાય છે, ત્યારે ટપાલ સેવાએ પણ બદલાતા જમાનામાં પોતાના રૂપરંગ બદલ્યા છે. આજે ટપાલી માત્ર ટપાલ વહેંચવા પૂરતો જ સીમિત રહ્યો નથી પરંતુ પહેલા કરતા પણ તેમની સેવા વધુ અમૂલ્ય બની છે. આજે ટપાલી ગામડાના લોકો માટે હરતી ફરતી બેંક સમાન બન્યો છે. જે ઘર બેઠા નાણાકીય લેવડ-દેવડ અને પાર્સલ આપ-લે ની સેવા પણ પુરી પાડે છે.

એક સમય હતો જ્યારે ટપાલીની સાયકલની ઘંટડી સાંભળતાં જ ગામના લોકોના ચહેરા પર આશાની ચમક આવી જતી. કોઈને પુત્રનો, પુત્રીનો કે, પપ્પાનો પોસ્ટકાર્ડ આવવાનો હોય, કોઈને પરદેશમાં રહેતા ભાઈના સમાચારની રાહ હોય, તો કોઈને પ્રિયજનની લાગણીસભર ચિઠ્ઠીની અપેક્ષા હોય. ટપાલી માત્ર પત્રો પહોંચાડનાર કર્મચારી ન હતો તે અનેક પરિવારો માટે ખુશીના સમાચારનો સંદેશવાહક હતો. પરંતુ આજે ટપાલીની ભૂમિકા પણ બદલાઈ છે.

વલસાડ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર એમ.ભુમન્ના જણાવે છે કે, આજના સમયમાં ટપાલ વિભાગે ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને પોતાની સેવાઓમાં અનેક પરિવર્તનો કર્યાં છે. હવે ટપાલ સેવા માત્ર પત્રો પહોંચાડવા પૂરતી મર્યાદિત નથી. સ્પીડ પોસ્ટ, પાર્સલ સેવા, ઈ-કોમર્સની ડિલિવરી, બચત યોજનાઓ, સૂર્યઘર સર્વે, હર ઘર તિંરગા અભિયાનમાં ઘરે ઘરે તિંરગા પહોંચતા કરવા, સુકન્યા સમૃધ્ધિ યોજના, પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ, નાણાકીય સેવાઓ અને વિવિધ ડિજિટલ સુવિધાઓ દ્વારા ટપાલ વિભાગ લોકોના જીવનનો અભિન્ન ભાગ બન્યો છે. પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ ઓફિસ અને આધાર કાર્ડ કેન્દ્રની સેવા પણ ઉપલબ્ધ થઈ છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ વિભાગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં દરેક પ્રકારની આધુનિક સુવિધા સરળતાથી ઉપલબ્ધ ન હોય, ત્યાં ટપાલ વિભાગ લોકો સુધી જરૂરી સેવાઓ પહોંચાડવામાં મદદરૂપ બને છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ જેવી પહેલો દ્વારા નાણાકીય સેવાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ ટપાલ વ્યવસ્થાનું યોગદાન નોંધપાત્ર છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સિનિયર મેનેજર રાહુલ બેંકર જણાવે છે કે, હવે પોસ્ટ સુધી ગ્રાહકને આવવાની જરૂર રહેતી નથી. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘર બેઠા જ કામ થઈ જાય છે અને બાકી સેવા પોસ્ટ મેન ઘર સુધી આપતા હોય છે. બેંકોમાં મીનીમમ બેલેન્સ રાખવુ પડતુ હોય છે પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાં એવી કોઈ મર્યાદા નથી. ઈલેકટ્રીસીટી બીલ એપ્લીકેશન દ્વારા પેમેન્ટ કરે તો કેશબેક પણ મળે છે. રૂ. ૭૫૫ના વાર્ષિક પ્રીમિયમ સાથે રૂ. ૧૫ લાખનો અકસ્માત વીમો પણ મળે છે. પોસ્ટનો કસ્ટમર કોઈક ઘટનામાં કોમામાં જાય તો ત્રણ માસ બાદ ચોથા માસથી દર અઠવાડીયે રૂ. ૧૫ હજાર ૧૦ અઠવાડીયા સુધી મળે છે એટલે કે કુલ રૂ. દોઢ લાખ મળે છે. પોલીસી સાથે કસ્ટમરનું વર્ષમાં એક વાર વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ પણ થાય છે. સરકાર પોસ્ટ ઓફિસ મારફત લોકો સુધી સેવા પહોંચાડી રહી છે.

વલસાડ હેડ ઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર મુકેશભાઈ પટેલ જણાવે છે કે, જિલ્લામાં ૧૨૭ પોસ્ટ મેન છે. આ સિવાય જિલ્લામાં અંદાજે ૧ લાખ ૭૦ હજાર ગ્રાહકો છે, કે જેઓ જિલ્લાની એક હેડ પોસ્ટ ઓફિસ, ૩ મુખ્ય ડાક ઘર, ૩૭ સબ પોસ્ટ ઓફિસ અને ૨૮૪ બ્રાંચ પોસ્ટ ઓફિસની સેવાનો લાભ મેળવી રહ્યા છે. પોસ્ટ ઓફિસ દ્વારા હાલમાં માત્ર રૂ. ૩૦ માં ગંગાજળ વેચાણની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. પહેલા પાંચ પૈસા કે ૧૫ પૈસામાં મળતા પોસ્ટ કાર્ડની કિંમત હવે રૂ. ૫૦ થઈ છે અને આંતરદેશીય પત્ર અઢી રૂપિયામાં મળે છે.
અઠવાડીયામાં દોઢ થી બે લાખનું બુકિંગ થાય છે જેની સામે વિતરણ બમણુ હોય છે. ભલે જમાનો બદલાયો હોય પણ ટપાલ વિભાગની આજે પહેલા કરતા પણ વધુ મહત્વપૂર્ણ બની છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!