ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામમાં આવેલી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયે રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધામાં સતત બે વર્ષથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી સમગ્ર વલસાડ જિલ્લા તેમજ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જી છે. વિદ્યાલયે ૨૬મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૪-૨૫ બાદ ૨૭મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૫-૨૬માં પણ પુણે ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાની ઉત્કૃષ્ટતાની પરંપરા જાળવી રાખી છે.
૨૬મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૪-૨૫ દરમિયાન પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયે પુણે ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ વ્યક્તિગત શ્રેણીઓમાં સ્થાન મેળવી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું. આ સફળતાના પાયામાં તત્કાલીન પ્રાચાર્ય જે. ડી. વિલિયમ્સનું માર્ગદર્શન અને નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું હતું. તેમના દિશાનિર્દેશન, સુવ્યવસ્થિત આયોજન તથા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સતત પ્રોત્સાહનથી વિદ્યાલયે રાષ્ટ્રીય યુવા સંસદના ક્ષેત્રમાં નવી ઊંચાઈ હાંસલ કરી હતી.
આ ગૌરવશાળી પરંપરાને વિદ્યાલયના વર્તમાન પ્રાચાર્ય રાજુલ શામકુવર એ પોતાના અનુભવી, પરિશ્રમી તથા અસરકારક માર્ગદર્શનથી સતત આગળ ધપાવી છે. તેમના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને વધુ સારી તૈયારી, અભ્યાસ, સંસદીય પ્રક્રિયાની સમજ, તાર્કિક રજૂઆત તથા અસરકારક વક્તૃત્વ માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પ્રેરણાદાયી સંદેશ અને શુભેચ્છાઓએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા છે. તદુપરાંત, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ. રાજશ્રી ટંડેલનું શૈક્ષણિક દિશાનિર્દેશન, માર્ગદર્શન તથા પ્રોત્સાહન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને સતત પ્રેરણા મળી છે.
આ ગૌરવશાળી સફળતાનો વધુ એક અધ્યાય ૨૭મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા ૨૦૨૫-૨૬માં લખાયો છે. સત્તાવાર પરિણામ અનુસાર, પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, વલસાડે ફરી એકવાર પુણે ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ મેરિટ ટ્રોફી માટે પસંદગી મેળવી છે.
