વલસાડના ભગોદ અને મગોદ-ડુંગરી ગામે અતુલ ફાઉન્ડેશનની OPD સેવા શરૂ: ગ્રામજનોને નજીવા દરે પ્રાથમિક આરોગ્ય સેવા અને તબીબી સલાહ મળશે

ગુજરાત એલર્ટ | વલસાડ
ગ્રામ્ય વિસ્તારોના લોકોને સરળતાથી અને નજીવા ખર્ચે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ થાય તે હેતુથી અતુલ ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ભગોદ અને મગોદ-ડુંગરી ગામ ખાતે OPD (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
ગામના તેમજ આસપાસના વિસ્તારોના લોકોને સામાન્ય બીમારીઓ માટે પ્રાથમિક તબીબી સલાહ અને સારવાર મેળવવા દૂર સુધી જવું ન પડે તે માટે આ OPD સેવા શરૂ કરવામાં આવી છે. અહીં નિષ્ણાંત તબીબ દ્વારા દર્દીઓની તપાસ, જરૂરી તબીબી માર્ગદર્શન તેમજ દવાઓ અંગે સલાહ આપવામાં આવશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને BPL કાર્ડધારકોને તદ્દન નજીવા દરે સારવાર મળી રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરના ડોક્ટર નિયુત શાહે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને તેમના પોતાના ગામમાં જ પ્રાથમિક આરોગ્ય સેવા મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે. OPD દરમિયાન દર્દીઓની તબીબી તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને જો કોઈ દર્દીને વધુ સારવારની જરૂર જણાશે તો તેને અતુલ ગામ ખાતે આવેલા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવશે.
આ અંગે અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમ દેસાઈએ જણાવ્યું હતું કે, “ગામડાના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સરળતાથી અને નજીવા ખર્ચે મળી રહે તે અમારી સામાજિક જવાબદારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તે અમારો ઉદ્દેશ છે.”

અતુલ ફાઉન્ડેશનની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અંગેની જાગૃતિ વધવાની સાથે લોકોને સમયસર તબીબી સલાહ અને સારવાર મળી રહેશે. ખાસ કરીને જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સેવા ઉપયોગી સાબિત થશે.

ભગોદ ખાતે OPD સેવા ગ્રામપંચાયત કચેરીની બાજુમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં દર મંગળવાર અને શુક્રવારે સવારે 8:30થી 10:30 દરમિયાન સેવા ઉપલબ્ધ રહેશે. જ્યારે મગોદ-ડુંગરી ખાતે માછી સમાજના દવાખાનામાં OPD સેવા શરૂ કરવામાં આવી છે, જ્યાં દર મંગળવાર અને શુક્રવારે સવારે 11:00થી બપોરે 1:00 વાગ્યા સુધી તબીબી સેવા મળશે.
અતુલ ફાઉન્ડેશન દ્વારા ભગોદ, મગોદ-ડુંગરી તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!