ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની ધરતી પર અનેક સેવાભાવી લોકોએ પોતાની અમીટ છાપ છોડી છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમનું જીવન જ બીજાના જીવનમાં પ્રકાશ પાથરવા માટે સમર્પિત હોય. આવા જ એક નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિત્વ અને વલસાડના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વ. ભરતભાઈ (ધનંજય) ઠાકોરભાઈ દેસાઈનું 86 વર્ષની વયે તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થતાં વલસાડે એક અનમોલ સેવાભાવી તારલો ગુમાવ્યો છે.

વલસાડની “ફ્રી આઇ હોસ્પિટલ” સાથે તેમનું વર્ષો જૂનું જોડાણ રહ્યું હતું. તેમની સેવાભાવનાથી ગુજરાત ઉપરાંત આસપાસના અનેક રાજ્યોમાંથી આવતા જરૂરિયાતમંદ લોકો માટે હજારો આંખના ઓપરેશન નિઃશુલ્ક રીતે શક્ય બન્યા હતા. અનેક પરિવારોના જીવનમાં દૃષ્ટિનો પ્રકાશ પરત લાવવામાં ભરતભાઈ દેસાઈનું યોગદાન હંમેશા યાદ રહેશે.

સેવા કરી, પરંતુ સન્માનથી હંમેશા દૂર રહ્યા
ભરતભાઈ દેસાઈની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓએ સેવા ક્યારેય પ્રસિદ્ધિ માટે કરી નહોતી. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા, પરંતુ તેઓ પોતે ક્યારેય સન્માનના મંચ પર આવવામાં માનતા નહોતા. સ્ટેજ પર પોતાનું સન્માન સ્વીકારવાને બદલે તેઓ પોતાના કાર્યકરો અને સહયોગીઓને આગળ કરતા. અનેક પ્રસંગોએ મળેલા સન્માનો પણ તેમણે કાર્યકરોને અર્પણ કર્યા હતા. તેમની વિચારધારા સ્પષ્ટ હતી, સેવા એવી હોવી જોઈએ કે જેમાં નામ નહીં, પરંતુ કામ બોલે.

તેમણે જીવન દરમિયાન અનેક ગુપ્ત દાનો પણ કર્યા હતા. કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાની હોય કે કોઈ સેવાકીય પ્રવૃત્તિને સહયોગ આપવાનો હોય, તેમાં તેમણે ક્યારેય પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો નહોતો.

વલસાડના હાલર વજીફદાર મહોલ્લામાં આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પત્રકારો, વકીલો, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા તેમના અનેક શુભેચ્છકો અને પરિચિતોએ અંતિમ વિદાય આપી.


સ્વ. ભરતભાઈ દેસાઈના પરિવારમાં સંતાન તરીકે એકમાત્ર પુત્ર ધર્મિનભાઈ દેસાઈ છે, જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. ભરતભાઈનું જીવન અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે તેમનું અવસાન માત્ર પરિવાર માટે નહીં, પરંતુ વલસાડના સમગ્ર સમાજ માટે મોટી ખોટ છે. ભરતભાઈ દેસાઈ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે જે આંખોમાં પ્રકાશ આપ્યો, જે પરિવારોને આશા આપી અને જે સેવાભાવની પરંપરા ઊભી કરી તેમાં તેમનું જીવન હંમેશા જીવંત રહેશે.
