અતુલ કંપનીના પ્રેસિડેન્ટ વિવેક ગદરેના હસ્તે મગોદડુંગરી ગામમાં આધુનિક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

ગુજરાત એલર્ટ | વલસાડ
મગોદ ડુંગરી ગામના ગ્રામજનોની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામુદાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા આધુનિક કોમ્યુનિટી હોલનું આજે અતુલ કંપનીના હોલટાઈમ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શ્રી વિવેક ગદરેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અતુલ કંપનીના અધિકારીઓ શ્રી ગૌતમભાઈ દેસાઈ, શ્રી હિતેન દેસાઈ, શ્રી અજીતસિંઘ બત્રા, શ્રી સુધાકર શેટ્ટી, ડૉ. નિયુત શાહ, શ્રી આભાસ દાસ, માછી મહાજન પંચના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી રામુભાઈ ટંડેલ, શ્રી સુરેશભાઈ ટંડેલ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ કંપનીની સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) અંતર્ગત કરવામાં આવેલી આર્થિક ભાગીદારીથી માછી મહાજન પંચ દ્વારા આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોલ ઉપલબ્ધ થવાથી ગ્રામજનોને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ જાહેર કાર્યક્રમો માટે એક સુવિધાયુક્ત સ્થળ ઉપલબ્ધ બન્યું છે.
આ કોમ્યુનિટી હોલનો ઉપયોગ લગ્ન પ્રસંગો, સામાજિક બેઠકો, મહિલા અને યુવા પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ અન્ય વિવિધ સામુદાયિક કાર્યક્રમો માટે કરી શકાશે. આ સુવિધા ગામના સામાજિક જીવનને વધુ સુદૃઢ બનાવવામાં તેમજ ગ્રામજનોને એકત્રિત થવા માટે યોગ્ય માળખાકીય સુવિધા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, “ગામના વિકાસમાં માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ લોકોના સામાજિક અને સામુદાયિક જીવનને મજબૂત બનાવતી સુવિધાઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ કોમ્યુનિટી હોલ ગ્રામજનો માટે લાંબા સમય સુધી ઉપયોગી અને લાભદાયી સંપત્તિ બની રહેશે.”
અતુલ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ તેમજ વિવિધ સામાજિક સુવિધાઓના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મગોદ ડુંગરી ગામમાં કોમ્યુનિટી હોલના નિર્માણ માટે કરવામાં આવેલી આર્થિક ભાગીદારી પણ અતુલ ફાઉન્ડેશનની સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
આ પ્રસંગે માછી મહાજન પંચના આગેવાનો દ્વારા અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોમ્યુનિટી હોલની સુવિધા ઉપલબ્ધ થવાથી ગામમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો વધુ સુવ્યવસ્થિત રીતે યોજી શકાશે અને તેનો લાભ લાંબા સમય સુધી સમગ્ર ગ્રામજનોને મળશે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ પણ નવીન કોમ્યુનિટી હોલની સુવિધા બદલ આનંદ વ્યક્ત કરી અતુલ કંપની તથા અતુલ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!