ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ અને શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા ‘ઋતુઓની રાણી વર્ષા’ વિષયને કેન્દ્રમાં રાખીને કાવ્યગાન અને કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાયો હતો. આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કવિઓની રચનાઓને પોતાના સ્વર અને અભિવ્યક્તિથી જીવંત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કાલિદાસની ‘ઋતુસંહાર’ અને ‘મેઘદૂત’ જેવી અમર કૃતિઓથી વર્ષાઋતુના સાહિત્યિક મહિમાની વાત થઈ હતી. ગુજરાતી કવિતામાં વર્ષાઋતુને જુદી-જુદી રીતે જોનારા, ગાનારા કવિઓની રચનાઓની સફર વિશે પ્રા. ડૉ. આશા ગોહિલે વાત કરી હતી.

બાલમુકુન્દ દવેના “શ્રાવણ નીતર્યો સરવડે, કોઈ ઝીલો જી…” જેવા શબ્દોમાં શ્રાવણની છલકતી સુંદરતા અનુભવાઈ હતી. પ્રહલાદ પારેખના “થાયે છે થેઈ થેઈકાર, ધરા ને ગગનમાં થાયે છે થેઈ થેઈકાર!” જેવા શબ્દોમાં વરસાદનો ઉત્સવ સંભળાયો હતો. રમેશ પારેખની રચનાઓએ તો જાણે આખું વાતાવરણ જ વરસાદી બનાવી દીધું હતું. વરસાદની સાથે ભીંજાતું મન, સ્મૃતિઓ અને લાગણીઓ—બધું જ કાવ્યમાં ઉતરી આવ્યું હતું. ભગવતીકુમાર શર્માની સંવેદનશીલ પંક્તિ “અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે…” પ્રેમ અને સંબંધની એક અલગ જ લાગણી જગાવી હતી. ગની દહીંવાલાનું ‘મોરલા ને વેઠ્યો ન જાય વરસાદમાં’ અને રાવજી પટેલની ‘વરસાદી રાતે’ ઉપરાંત ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, રાજેન્દ્ર શાહ, હર્ષ બ્રહ્મભટ્ટ ઇત્યાદિ કવિઓની રચના રજૂ થઈ હતી. આ રચનામાં વર્ષાના વિવિધ રંગો અને માનવમનની વિવિધ લાગણીઓ ઉજાગર થઈ હતી. ક્રિષ્ના પટેલ, અંજલી ગાંવિત ,વ્યોમા પટેલ ,હેતલ પટેલ, હેમાક્ષી કળસરિયા, મલ્લિકા વળવી, હિરલ પટારા, છાયા પટેલ, સોહાની પટેલ, હસ્તી ધંધુકિયા, ડિમ્પલ કાર, મિતાલી નાયકા, નિયતિ કરસરિયા, પરીતા પટેલ, જીનલ પટેલે ભાવસભર કાવ્યગાન અને કાવ્યપઠન કર્યું હતું.
કાર્યક્રમનું આયોજન ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ.એસ.યુ. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. આશા ગોહિલ તથા પ્રા . નર્મદાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગના ડૉ. જે. એમ. સોલંકીએ કવિ ઉશનસનું કાવ્ય ” અષાઢે તણખલું ના તોડીએ જી” ગાઈ સંભળાવી વિદ્યાર્થીઓને ખુશ કરી દીધાં હતા. પ્રા. નર્મદાબેન પરમારે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની નોંધ લઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તથા આભારદર્શન ડૉ.આશા ગોહિલે કર્યું હતું.
