વલસાડ જિલ્લાની ધરતી પર ‘કલ્પવૃક્ષ’ની હરિયાળી, નાળિયેર બની રહ્યું છે ખેડૂતોની આવકનું મજબૂત માધ્યમ: વલસાડ, પારડી અને ઉમરગામના સમુદ્ર કાંઠાના ગામોમાં અંદાજે ૩,૦૦૦ હેક્ટરમાં નાળિયેરીનો પાક લહેરાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
જે વૃક્ષનું ફળ ભૂખ અને તરસ છીપાવે, જેનું તેલ રસોડાથી લઈને સૌંદર્ય સુધી ઉપયોગી બને, જેની છાલ રોજગારનું સાધન બને અને જેના દરેક ભાગમાં મૂલ્ય છુપાયેલું હોય એવું નાળિયેર માત્ર એક પાક નથી, પરંતુ કુદરતનું ‘કલ્પવૃક્ષ’ છે. જેનું પાણી પીવાથી બિમાર દર્દી પણ સાજો થઈ જાય અને તેના વિના પૂજા અને હવન પણ અધૂરા છે એટલે તો શ્રીફળ તરીકે જીવનશૈલીમાં જોડાયેલુ છે. વલસાડ જિલ્લાના દરિયાકાંઠે લહેરાતી નાળિયેરી હવે માત્ર કુદરતી સૌંદર્યની ઓળખ રહી નથી, પરંતુ ખેડૂતોની આવક, ગ્રામ્ય અર્થતંત્ર અને મૂલ્યવર્ધિત ઉદ્યોગો માટેની નવી સંભાવનાઓનું પ્રતિક બની રહી છે.

આજે તા. ૦૨ સપ્ટેમ્બર એટલે વિશ્વ નાળિયેર દિવસ. નાળિયેરના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ લાવવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી નિકુંજ એન. પટેલ જણાવે છે કે, જિલ્લામાં અંદાજે ૩,૦૦૦ હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર થયેલુ છે.

જેમાં ૨૫૦૦ હેકટર જુનુ અને ૫૦૦ હેકટર નવુ વાવેતર છે. ખાસ કરીને વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં નાળિયેરીની ખેતી જોવા મળી રહી છે. અહીં મુખ્યત્વે હાઇબ્રિડ બોના, ગણદેવી સિલેક્શન અને વેસ્ટ કોસ્ટ ટોલ (પશ્ચિમી કિનારાની લાંબી જાત)ની નાળિયેરીનું વાવેતર થાય છે. બોના અને ગણદેવી સિલેક્શન જાતની નાળિયેરી સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષમાં મબલખ ફળ આપતી થઈ જાય છે અને તેની ઊંચાઈ વધુમાં વધુ ૧૦થી ૧૫ ફૂટ જેટલી રહે છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન નાળિયેરીની ખેતી માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નાળિયેરીનું વાવેતર વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારની ખેતીમાં અન્ય રીતે પણ મહત્વનું છે. સમુદ્ર તરફથી આવતા ભારે પવન સામે નાળિયેરીના વૃક્ષો કુદરતી અવરોધ ઊભા કરતાં હોવાથી તેની પાછળના ભાગમાં આવેલા આંબા અને ચીકુ જેવા બાગાયતી પાકોને પણ રક્ષણ મળે છે. એક સમય હતો જ્યારે ખેડૂતો નાળિયેરીના વૃક્ષો મુખ્યત્વે ખેતરના શેઢા પર રોપતા હતા.

જોકે, નાળિયેરના બહુમુખી ઉપયોગ અને તેની વધતી માંગને પગલે હવે નાળિયેરીની પદ્ધતિસર ખેતી તરફ ખેડૂતોનો અભિગમ બદલાઈ રહ્યો છે. નાળિયેરના ફળ ઉપરાંત તેના છોટલાની કોકોપીટ તરીકે ખેતીમાં માંગ વધી રહી છે. અગાઉ નાળિયેરના છોટલા ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા હવે તેનો સોઇલલેસ કલ્ચર સહિતના ક્ષેત્રોમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. બીજી તરફ, નાળિયેર પાણીનો ઉપયોગ પરંપરાગત પીણાથી આગળ વધીને બિઝનેસ તરીકે પેકેજ્ડ અને સોફ્ટ ડ્રિન્ક તરીકે પણ થવા લાગ્યો છે. આ રીતે નાળિયેર હવે માત્ર ખેતરમાંથી બજારમાં પહોંચતું શ્રીફળ નથી રહ્યું, પરંતુ પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને વિવિધ ઉત્પાદનો માટેનો કાચો માલ બની રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી થાય તે માટે લક્ષ્ય સેવ્યું છે ત્યારે આ મુલ્યવર્ધિત પાક ખેડૂતોને બમણી આવક આપી શકે છે.

૧,૨૦૦ નાળિયેરીથી મહિને રૂપિયા બે લાખ સુધીની આવક
નાળિયેરીની ખેતીમાંથી આવકની સંભાવનાનું જીવંત ઉદાહરણ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ખેડૂત હર્ષદભાઈ આર. ભંડારી પુરુ પાડી રહ્યા છે. સરોંડા ગામ ખાતે તેમના ૧૨ એકર ખેતરમાં નાળિયેરીના ૧,૨૦૦ ઝાડ લહેરાય રહ્યાં છે. નાળિયેરીની સાથે તેઓ કેળા અને હળદરની આંતરપાક ખેતી પણ કરે છે. હર્ષદભાઈ જણાવે છે કે, નાળિયેરની ખેતી ચોખ્ખો નફો આપતી ખેતી છે, પરંતુ તેમાં મહેનત અને ધીરજ પણ જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ, એક નાળિયેરી પરથી દર મહિને અંદાજે ૧૦થી ૨૦ નાળિયેર ઉતરે છે અને એક નાળિયેરનો ભાવ સરેરાશ રૂ. ૨૦ થી ૨૫ જેટલો મળે છે. ૧,૨૦૦ નાળિયેરીમાંથી મહિને આશરે ૧૦ હજાર નાળિયેરનું ઉત્પાદન થાય તો મહિને સરેરાશ બે લાખ રૂપિયા સુધીની આવક મળી રહે છે. તેઓ વધુમાં જણાવે છે કે, નાળિયેરીને ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવતું હોવાથી પાણીની જરૂરિયાત રહે છે. આ ઉપરાંત વર્ષમાં એક વખત છાણિયું ખાતર આપી શકાય છે. ખેડવાની જરૂર રહેતી નથી, ખેડવાથી નાળિયેરીના મૂળિયાને નુકસાન થાય છે.

નાળિયેર વિકાસ યોજના થકી ખેડૂતોને પ્રોત્સાહન, ૧૭ નર્સરીમાંથી મળી શકે છે રોપા
નાળિયેરીની ખેતી તરફ વધુ ખેડૂતો પ્રેરાય અને તેનું વાવેતર વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાળિયેરી વિકાસ મિશન કાર્યક્રમ અંતર્ગત બે યોજના અમલમાં મુકવામાં આવી છે. (૧) નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય અને (૨) નાળિયેરીમાં સંકલિત પોષણ/જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન. નાળિયેરીની ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને રોપા ઉપલબ્ધ કરાવવા માટે ચણવઈ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિત જિલ્લામાં કુલ ૧૭ નર્સરી કાર્યરત છે. નાળિયેરની ખેતીમાં રહેલી મૂલ્યવર્ધનની સંભાવનાઓને જોતા આ પાક ખેડૂતો માટે આવકનો વૈકલ્પિક અને લાંબા ગાળાનો સ્ત્રોત બની શકે છે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્ય સાથે નાળિયેરમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરીને સ્થાનિક બજાર ઉપરાંત મોટા બજાર સુધી પહોંચાડવામાં આવે તો તેની આર્થિક સંભાવના વધુ વિસ્તરી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!