ગુજરાત એલર્ટ | વલસાડ
સાતપુડાના ગિરીકંદરાની ગોદમાં વસેલા વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલું અરણાઈ ગામ દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એક ઐતિહાસિક સ્થળ છે. પાર નદી, ડુંગરાળ ભૂપ્રદેશ અને ગાઢ જંગલોથી ઘેરાયેલું અરણાઈ પોતાના ગરમ પાણીના કુદરતી કુંડ માટે વિશેષ ઓળખ ધરાવે છે. સ્થાનિક તળપદી બોલીમાં અરણાઈને “અઢણાઈ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરમ પાણીના કુંડનું સૌથી મોટું આકર્ષણ તેનું કુદરતી સ્વરૂપ છે. જમીનની અંદર રહેલી ભૂ-તાપીય પ્રક્રિયાઓને કારણે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળ ગરમ થઈને સપાટી પર આવે છે. આવા કુદરતી ગરમ પાણીના ઝરા વિશ્વના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.

અરણાઈમાં કુદરત, આસ્થા અને આદિવાસી સંસ્કૃતિ ત્રણેયનું સુંદર સંયોજન જોવા મળે છે. પાર નદીનો વિસ્તાર, ડુંગરાળ ભૂપ્રદેશ, જંગલ અને ગરમ પાણીના કુંડ તેને દક્ષિણ ગુજરાતના સંભવિત કુદરતી પ્રવાસન સ્થળ તરીકે વિશિષ્ટ બનાવે છે.

અરણાઇ ગરમ પાણીના કુંડ અંગે અનેક લોકકથાઓ પ્રચલિત છે. અરણાઇ ગામના વડીલ શ્રી નાગજીભાઇ ધીરૂભાઇ ગાંવિત જણાવે છે કે, સૌથી જાણીતી માન્યતા ભગવાન શ્રીરામના વનવાસ સાથે જોડાયેલી છે. લોકવાયકા મુજબ, વનવાસ દરમિયાન સીતાજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ હતી. ત્યારે ભગવાન શ્રીરામે પોતાના બાણથી જમીનમાં પ્રહાર કરતાં અહીંથી ગરમ પાણીનો ઝરો પ્રગટ થયો હતો. આ કારણે આ સ્થળને રામાયણકાળ સાથે જોડીને જોવામાં આવે છે. આ કથા સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થા અને મૌખિક લોકપરંપરાનો ભાગ છે. ભગવાન શ્રીરામનું પુરાણું મંદિર પણ અહી છે.

તેઓ વધુમાં જણાવે છે કે, કુંડમાં પાણી વધુ વરસાદ હોય તેમ વધારે ગરમ હોય છે, શિયાળામાં પણ વધારે ગરમ હોય છે. જયારે ઉનાળામાં પાણી ઓછુ ગરમ હોય છે. અરણાઈ લોકોમાં આસ્થાનું કેન્દ્ર તો છે જ પણ સાથે સાથે સ્થાનિક સ્તરે તેને પ્રાકૃતિક અને ઔષધીય ગુણ ધરાવતું સ્થળ તરીકે પણ માનવામાં આવે છે. ચામડીના રોગો વગેરે ગરમ પાણીના સ્નાનથી દૂર થાય છે. એવી માન્યતા પણ લોકોના માનસપટમાં છે.

બીજી માન્યતા એવી પણ છે કે, ગરમ પાણીના કુંડ સ્થળે કાદવમાં ગાયમાતાના પગ ખુપી ગયા હતા. ગ્રામજનોએ મહેનત કરીને ગાયને બહાર કાઢી અને પગ બહાર કાઢયા ત્યાંથી પાણીના ઝરા નીકળ્યા હોવાનું ગામના વડીલો જણાવે છે. એક વાત ચોકકસ છે કે, અહીંનો ઇતિહાસ વર્ષો જુનો છે. અરણાઈનું સાચું સૌંદર્ય તેની કુદરતી અને સાંસ્કૃતિક ઓળખમાં રહેલું છે. તેથી પ્રવાસન વિકાસ સાથે કુંડની સ્વચ્છતા, જળસ્રોતનું સંરક્ષણ, જંગલ અને પર્યાવરણની જાળવણી તથા સ્થાનિક આદિવાસી પરંપરાઓનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.

અરણાઈ માત્ર ગરમ પાણીનો કુંડ નથી. તે પ્રકૃતિની ભેટ, સ્થાનિક લોકઆસ્થાનું કેન્દ્ર અને દક્ષિણ ગુજરાતની આદિવાસી લોકસંસ્કૃતિની જીવંત પરંપરાનું પ્રતીક છે.

રામ, સીતા અને લક્ષ્મણ કુંડ
સ્થાનિક પરંપરા અનુસાર અરણાઈ વિસ્તારમાં આવેલા કુંડોને રામ કુંડ, સીતા કુંડ અને લક્ષ્મણ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ નામો સ્થળ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓને પ્રતિબિંબિત કરે છે. આ કુંડ માત્ર કુદરતી જળસ્રોત તરીકે નહીં પરંતુ સ્થાનિક લોકો માટે શ્રદ્ધાનું સ્થાન પણ રહ્યા છે. ગરમ પાણીના ઝરા પ્રત્યે લોકોમાં પ્રાચીન સમયથી કુદરત પ્રત્યેની આસ્થા અને અદ્ભુતતાની ભાવના જોવા મળે છે.

રસ્તા અને વાહન વ્યવહારની સુવિધા હોવાથી પર્યટકોનું ધ્યાન ખેંચાયું
એક સમય હતો જ્યારે અરણાઈનો વિસ્તાર ગાઢ જંગલો અને ડુંગરોથી ઘેરાયેલો હોવાથી બહારની દુનિયા માટે લગભગ અજાણ્યો હતો. સ્થાનિક લોકો અને આસપાસના ગામોના રહેવાસીઓ આ કુદરતી જળસ્રોતથી પરિચિત હતા. હવે અહીં આસ્થા સાથે ઘણા પ્રવાસી આવે છે. આજે રસ્તા અને વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો થતાં અરણાઈ જેવા કુદરતી સ્થળો તરફ લોકોનું ધ્યાન વધ્યું છે.
આદિવાસી આસ્થા અને લોકપરંપરા સાથે જોડાયેલું મહત્વનું સ્થળ
નાનાપોંઢા વિસ્તાર દક્ષિણ ગુજરાતના આદિવાસી સાંસ્કૃતિક પ્રદેશનો મહત્વનો ભાગ છે. અરણાઈને પણ સ્થાનિક આદિવાસી આસ્થા અને લોકપરંપરા સાથે જોડાયેલું મહત્વનું સ્થળ ગણવામાં આવે છે. જો અહીં સુવિધાઓનો સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવે તો અરણાઈમાં સ્થાનિક રોજગારી, ગ્રામ્ય પ્રવાસન અને આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન માટે નવી તકો ઊભી થઈ શકે છે.

કેવી રીતે પહોંચી શકાય
ધરમપુર થી આશરે ૨૩ કિ.મી. ના અંતરે આવેલા અરણાઇ ગરમપાણીના કુંડ સુધી પહોંચવા મોટી વહીયાળ પાનસ ખુંટલી થઇ અને નાનાપોંઢા થી આમધા થઇને પણ જઇ શકાય છે. અન્ય રસ્તો ધરમપુર થી બિલપુડી, માકડબંધ, ધામણી થઇ અરણાઇ જવાનો રસ્તો છે.
