ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય તે હેતુસર વલસાડ ફૂડ વિભાગ દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ સાથે સંકળાયેલી ૧૮ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડના તિથલ રોડ પર સ્થિત જલારામ ખમણ હાઉસ સહિત ૮ હોટલ અને રેસ્ટોરન્ટમાં અસહ્ય ગંદકી અને નિયમોનું ઉલ્લઘંન થતું હોવાથી કડક પગલા લઈ પાંચ હોટલ-રેસ્ટોરન્ટનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે, જ્યારે ૩ હોટલને સુધારો કરવા માટે નોટિસ ફટકારી છે.

આ તપાસ દરમિયાન પેઢીઓમાં ખાદ્ય ચીજોના સંગ્રહની વ્યવસ્થા, કન્ટેનર ઉપર લેબલીંગ, રસોડાની સ્વચ્છતા, ખાદ્યચીજોની ગુણવત્તા, પીવાનું પાણી, કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ તેમજ જરૂરી રજીસ્ટ્રેશન અને પરવાના સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ ૧૮ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલીક પેઢીઓમાં ક્ષતિઓ જણાઈ આવતા કાયદા મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં (૧) જલારામ ખમણ હાઉસ, શોપ નં. ૭, મેઘ રચના ટાવર, તિથલ રોડ, વલસાડ ખાતે રસોડામાં ગંદકી તેમજ કાળું થઈ ગયેલું તેલ વપરાશમાં લેવામાં આવતું હોવાનું જણાતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો છે.


(૨) અરોડીયા હોટલ પ્રા.લિ. (હોટલ ફાઉન્ટેન), ને.હા.નં.૪૮, પારડી (૩) હોટલ પેપીલોન, એલ.એલ.પી. કોપરલી રોડ, વાપી તથા (૪) લક્ષ્મી રેસ્ટોરન્ટ, મહેતા નુતન નગર, જુના રેલવે ફાટક, સેલવાસ રોડ, વાપી ખાતે જરૂરી દસ્તાવેજો અને સ્ટોરેજમાં કન્ટેનર ઉપર લેબલીંગનો અભાવની ક્ષતિ જણાતા ત્રણેય પેઢીઓને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. (૫) રામદેવ રેસ્ટોરન્ટ, એચપી પેટ્રોલપંપ પાસે, કિલ્લા પારડી ખાતે રસોડામાં અસ્વચ્છતા તેમજ પાણીનો રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં ન આવતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો છે.


(૬) અનીતા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ કોર્નર, રાધિકા રેસીડેન્સી, તલાસરી રોડ, ઉમરગામ ખાતે ગંદકીથી ખદબદતુ રસોડું, વાસી ખોરાક તેમજ જરૂરી રજીસ્ટ્રેશનનો અભાવ જણાતા ધંધો બંધ કરાવવામાં આવ્યો છે.

(૭) હોટલ નિત્યાનંદ, ઈડબલ્યુએસ કોલોની, ગાંધીવાડી, ઉમરગામ ખાતે રસોડમાં ગંદકીની ભરમાર, વાસી ખોરાક તથા ફ્રીઝરમાં ગંદકી સહિતની ક્ષતિઓ જણાતા પેઢીનો પરવાનો સ્થગિત કરી ધંધો બંધ કરાવવામાં આવ્યો છે. (૮) અરિહંત ગૃહ ઉદ્યોગ, હોટલ નિત્યાનંદની બાજુમાં, ઓરીએન્ટલ કોલોની, ગાંધીવાડી, ઉમરગામ ખાતે સ્વચ્છતાના ધોરણો વિરૂધ્ધ ઉત્પાદન તથા ગંદકી અને જરૂરી રજીસ્ટ્રેશનના અભાવે ધંધો બંધ કરાવવામાં આવ્યો છે.
બીજી તરફ તપાસ દરમિયાન (૯) અમીરસ રેસ્ટોરન્ટ, વાપી (૧૦) મઘુવન રેસ્ટોરન્ટ, ગીતા નગર, વાપી ઈસ્ટ રેલવે સ્ટેશન સામે (૧૧) આરામ રેસ્ટોરન્ટ, સ્ટેશન રોડ, જીઆઈડીસી ઉમરગામ (૧૨) પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ, કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં, વલસાડ (૧૩) ગજાનંદ ફાસ્ટ ફૂડ સેન્ટર, સિટી પોલીસ સ્ટેશન સામે, વલસાડ, (૧૪) શ્રી ઉડીપી રેસ્ટોરન્ટ, સ્ટેશન રોડ, વલસાડ (૧૫) ગોરીલ્લાસ, દુકાન નં. ૦૩, મેઘ રચના ટાવર, તિથલ રોડ, વલસાડ, (૧૬) સર્વોત્તમ રેસ્ટોરન્ટ, આવાબાંઈ સ્કૂલ સામે, વલસાડ (૧૭) અંબિકા સ્નેક્સ, અમ્રિત વીલા, તિથલ રોડ, વલસાડ અને (૧૮) અરોમા ચાર્ટ્સ એન્ડ સ્નેક્સ, શ્રી સાંઈ પ્રસાદ ફૂડ કોર્ટ ડીએસપી ઓફિસની બાજુમાં, વલસાડ સહિતની પેઢીઓમાં સ્વચ્છતા જોવા મળતા તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાઈ ન હતી.
વલસાડ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ વળવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખાદ્યચીજોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી પેઢીઓની તપાસની કામગીરી હજુ પણ ચાલુ જ રહેશે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન નહીં કરનાર પેઢીઓ સામે કાયદા મુજબ વધુ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતી અંગે જાગૃત રહેવા તથા કોઈ અનિયમિતતા જણાય તો તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.
