કારગિલની યુધ્ધ ભૂમિથી યુવાનોના ઘડતર સુધી : ધરમપુરના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ગવળીની અવિરત રાષ્ટ્રસેવાને વંદન: બિલપુડીના આ ‘રીયલ હીરો’ માટે નિવૃત્તિ અંત નહીં પણ દેશસેવાનો નવો અધ્યાય છે.

ગુજરાત એલર્ટ | વલસાડ
અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા અસંખ્ય યુવાનોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના બલિદાન અને સંઘર્ષના પરિણામે આપણને આ અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે.આઝાદી બાદ પણ દેશની સરહદો પર તૈનાત આપણા વીર જવાનો પોતાના પ્રાણોની પરવા કર્યા વિના દેશની રક્ષા કરી રહ્યા છે અને દેશ પ્રત્યેના અતૂટ પ્રેમ તથા રાષ્ટ્રભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજે આપણો દેશ સ્વતંત્રતાનો ૮૦મો પર્વ હર્ષોલ્લાસભેર મનાવી રહ્યો છે ત્યારે નવી પેઢીએ આઝાદીના સાચા મૂલ્યને સમજવું,તેને જાળવી રાખવાની જવાબદારી નિભાવવી અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને પોતાના જીવનમાં ઉતારવી અત્યંત પ્રાસંગિક બની છે.
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આજે વાત કરીએ છીએ,વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના એક એવા ‘રીયલ હીરો’ની જે આર્મીમાંથી કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ પણ દેશસેવાનું પોતાનું કાર્ય અવિરતપણે આગળ ધપાવી રહ્યા છે. ધરમપુરના બિલપુડી ગામના ડુંગરપાડા ફળિયામાં રહેતા ૬૩ વર્ષીય શંકરભાઈ ચીમનભાઈ ગવળીનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ દેશપ્રેમની ભાવના પ્રબળ હતી.દેશની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી તેઓ આર્મીમાં જોડાવા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેમના જ ગામમાં રહેતા નિવૃત્ત એરફોર્સ અધિકારી સ્વ.દિનકરભાઈ પટેલે તેમને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું. જેથી શંકરભાઈ વર્ષ ૧૯૮૦માં ગોધરા ખાતે આર્મીની ભરતીમાં ગયા હતા.ભરતી સ્થળે યુવાનોની એટલી લાંબી કતાર હતી કે,શંકરભાઈનો નંબર છેક બીજા દિવસે આવ્યો. તેમની ફિઝિકલ ટેસ્ટ, રિટન ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ એક જ દિવસમાં પૂર્ણ થઇ અને ત્યારબાદ સૈનિક તરીકે તેમની આર્મીમાં પસંદગી થઈ.અહીંથી શરૂ થયેલી તેમની રાષ્ટ્રસેવાની સફર ૩૩.૫ વર્ષ સુધી ચાલી.આર્મીની સેવા દરમિયાન તેમણે મેડિકલ વિભાગમાં વહીવટી કામગીરીની જવાબદારી પણ સુપેરે નિભાવી હતી.વર્ષ ૨૦૧૩માં તેઓ કેપ્ટન પદેથી નિવૃત્ત થયા પરંતુ આજે પણ યુવા પેઢીને દેશસેવાના પાઠ ભણાવી રહ્યા છે.

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ભારતીય આર્મી સાથે જોડાયેલી પોતાની યાદો વાગોળતાં શંકરભાઈ જણાવે છે કે,તેમનું પ્રથમ પોસ્ટિંગ સિક્કિમમાં થયું હતું. બરફથી આચ્છાદિત વિસ્તારમાં માઈનસ ડિગ્રી તાપમાન વચ્ચે ફરજ બજાવવી પડકારજનક અનુભવ હતો. ત્યારબાદ મધ્યપ્રદેશ, પંજાબ,પશ્ચિમ બંગાળ,હિમાચલ પ્રદેશ,તમિલનાડુ,ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી.પરંતુ તેમના સૈન્ય જીવનની સૌથી યાદગાર અને આજે પણ યાદ કરતાં રૂવાંટા ઊભા કરી દે તેવી ફરજ શ્રીલંકાની હતી. વર્ષ ૧૯૮૭માં શ્રીલંકામાં LTTE સામે સંઘર્ષ ચાલી રહ્યો હતો. શ્રીલંકામાં વસતા તમિલોની સુરક્ષા માટે ભારત સરકારે શાંતિસેનાના જવાનોને શ્રીલંકા મોકલ્યા હતા. શંકરભાઈ પણ આ શાંતિસેનાનો હિસ્સો બની અજાણ્યા દેશમાં અત્યંત કઠિન અને જોખમી પરિસ્થિતિમાં ફરજ બજાવવા પહોંચ્યા હતા.બે પહાડોની વચ્ચે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમની કંપની પર ગોળીબાર અને ભારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મોટી સંખ્યામાં ભારતીય જવાનો ઘાયલ થયા
હતા અને તેમને સારવાર માટે પુણેની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયની યાદો આજે પણ શંકરભાઈના મનમાં તાજી છે.

શંકરભાઈના જીવનના સૌથી યાદગાર અધ્યાય અને દરેક ભારતીય માટે ગર્વનો વિષય એવા કારગિલ યુદ્ધ એટલે કે ‘ઓપરેશન વિજય’ની વાત આવે ત્યારે તેમના ચહેરા પર આજે પણ એ દિવસોની ગંભીરતા જોવા મળે છે. કારગિલ યુદ્ધ પહેલાં તેઓ કારગિલથી આશરે ૨૦૦ કિલોમીટર દૂર નૌશેરા સેક્ટરમાં ફરજ બજાવતા હતા. કારગિલ યુદ્ધ શરૂ થતાં તેમને કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. યુદ્ધના મોરચાથી માંડ ૨૦ કિલોમીટર દૂર તેમનું એડવાન્સ ડ્રેસિંગ સ્ટેશન હતું.ચારેય તરફથી ગોળીબાર વચ્ચે દરેક ક્ષણ અનિશ્ચિત હતી. કઈ દિશામાંથી ક્યારે
ગોળી આવીને શરીરને વીંધી જાય તેની કોઈ ખાતરી નહોતી તેમ છતાં પીછેહઠ કરવાનો સવાલ જ ન હતો. જરૂર પડે ત્યારે બંકરમાં આશરો લેવાતો,પરંતુ ફરજના મોરચે હિંમત ક્યારેય ડગમગી ન હતી.લગભગ ૮૪ દિવસ સુધી ભય,જોખમ અને સતત હુમલાઓ વચ્ચે ભારતીય જવાનોએ અડીખમ હિંમત સાથે દુશ્મનનો સામનો કર્યો અને અંતે ઐતિહાસિક વિજય મેળવ્યો. ભારતના આ ઐતિહાસિક વિજયની યાદમાં આજે પણ દર વર્ષે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારગિલ યુદ્ધ દરમિયાન પોતાની ફરજ અને યોગદાન બદલ શંકરભાઈને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સૈન્યસેવા દરમિયાન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તેમજ ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નિવૃત્તિ બાદ પણ રાષ્ટ્રસેવા યથાવત: ૧૧૩ યુવાનોને દેશસેવામાં જોડ્યા
શંકરભાઈ માટે આર્મીમાંથી નિવૃત્તિનો અર્થ દેશસેવાનો અંત ન હતો. નિવૃત્તિ બાદ પણ દેશસેવાનું કાર્ય ચાલુ રાખવાના સંકલ્પ સાથે તેઓ સ્વ.દિનકરભાઈ પટેલે દશેરાપાટી ખાતે શરૂ કરેલી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી સાથે જોડાયા. નિવૃત્ત આર્મી જવાનો દીપક પટેલ,ગોવિંદ પટેલ અને સુરેશ પટેલ સાથે મળીને તેમણે આદિવાસી વિસ્તારના યુવાનોને આર્મી, BSF, CISF, પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ભરતી માટે તૈયાર કરવાનું બીડું ઝડપ્યું. તેમના આ યોગદાનને વધુ વિશેષ બનાવતી બાબત એ છે કે, યુવાનોને આપવામાં આવતી આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક હતી.તેમનો હેતુ લાયક અને મહેનતુ યુવાનોને સશસ્ત્ર દળો તથા અન્ય સરકારી સેવાઓમાં જોડાવા માટે જરૂરી માર્ગદર્શન, શિસ્ત અને તાલીમ પૂરી પાડવાનો હતો.એકેડેમીમાં યુવાનોને દરરોજ સવારે દોઢ કલાક ફિઝિકલ ટ્રેનિંગ, ત્યારબાદ એક કલાક થિયરી અને ટેસ્ટની તૈયારી કરાવવામાં આવે છે. અહીં તાલીમ મેળવનારા અનેક યુવાનો સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. શંકરભાઈ ગર્વભેર જણાવે છે કે,અત્યાર સુધીમાં કુલ ૧૧૩ યુવાનો સરકારી સેવામાં જોડાઈ ચૂક્યા છે.તેમના માટે આ ૧૧૩ યુવાનો માત્ર એક આંકડો નથી; પરંતુ ૧૧૩ પરિવારોના સપનાઓ છે, જેમને દેશસેવાની તક મળી છે.

મારી સૌથી મોટી ખુશી એ છે કે, યુવાનો દેશસેવા માટે આગળ આવે
આજે સ્વાતંત્ર્ય પર્વે શંકરભાઈની એક જ મુખ્ય ઈચ્છા છે કે, નવી પેઢીમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને અને વધુને વધુ યુવાનો દેશસેવા માટે આગળ આવે. તેમનું માનવું છે કે, આઝાદી આપણને સહેલાઈથી મળી નથી.અસંખ્ય વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને તેમના ત્યાગના કારણે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. તેથી આઝાદીની કિંમત સમજવી અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી એ દરેક નાગરિકની જવાબદારી છે.રાષ્ટ્ર સેવાની આ સફરમાં તેઓ સંદેશ આપે છે કે,સૈનિક સેવામાંથી નિવૃત્ત થઈ શકે,પરંતુ સાચા સૈનિકના
હૃદયમાંથી દેશસેવાની ભાવના ક્યારેય નિવૃત્ત થતી નથી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!