નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીમાં ભર વરસાદમાં ૪ કિ.મી. લાંબી ભવ્ય તિરંગા યાત્રા નીકળી, ૪૫૦૦થી વધુ લોકો જોડાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં વાપીમાં ચાર કિ.મી. લાંબી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા ભર વરસાદમાં નીકળી હતી. આ તિરંગા યાત્રામાં ૨૫ સ્કૂલના ૩૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ નગરજનો મળી કુલ ૪૫૦૦થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. વાપીવાસીઓએ તિરંગા યાત્રા પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી ઉષ્માભેર સ્વાગત કરી ‘‘ભારત માતા કી જય’’, ‘‘વંદે માતરમ’’ અને ‘‘જય હિંદ’’ના ગગનભેદી નારા લગાવતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.

વલસાડ જિલ્લામાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે દેશની યુવા પેઢી આઝાદીનું મૂલ્ય સમજે અને આઝાદીની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોની શહાદતને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવા માટે દર વર્ષે તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વાપી ખાતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના પ્રતિક સમી જિલ્લા કક્ષાની ‘તિરંગા યાત્રા’નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને વાપી મહાનગરપાલિકા દ્વારા સંયુક્તરૂપે કરવામાં આવ્યું હતું. જેમાં ‘વંદે માતરમ’ ગીતની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નીકળેલી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રાના આયોજન બદલ વાપી મનપા અને જિલ્લા વહીવટી તંત્ર અભિનંદનને પાત્ર છે. આજે ભર વરસાદમાં પણ વાપીવાસીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો અદમ્ય પ્રેમના દર્શન કરાવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તિરંગાને સરકારી કચેરીઓ અને વિશિષ્ટ સ્થળો પરથી બહાર કાઢી સામાન્ય નાગરિક પણ તિરંગાને શાનથી લહેરાવી શકે તેવુ આયોજન કર્યુ છે જે બદલ આપણે વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ છે.

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વલસાડ જિલ્લા તિરંગા યાત્રાને સવારે ૯.૦૦ કલાકે વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા ચોક ખાતે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે તેના નિર્ધારિત રૂટ મુજબ શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી શરૂ થઈને વંદે માતરમ ચોક, રોટરી સર્કલ અને માં ફાઉન્ડેશન સર્કલ થઈને શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન ખાતે સંપન્ન થઈ હતી. ભવ્ય તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, ઘોડેસવાર પોલીસ જવાનો અને બુલેટ રાઈડર્સની ટીમે પણ આકર્ષણ જગાવ્યું હતું. યાત્રામાં જોડાયેલા દરેકના હાથમાં તિરંગો લહેરાતો જોઈ વાપી તિરંગામય બન્યુ હતું.

આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયરશ્રી દક્ષાબેન પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ડે.મેયરશ્રી મિતેશ દેસાઈ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સતિષ પટેલ, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વાપી મનપા કમિશ્નરશ્રી એન.એફ.ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કમલેશ પટેલ અને વાપી શહેર સગંઠનના પ્રમુખશ્રી મનીષ દેસાઈ સહિત મોટી સંખ્યામાં વાપીવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!