ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં ‘‘સ્વતંત્રતા સપ્તાહ’’ની તા. ૯ ઓગસ્ટથી વલસાડ જિલ્લામાં ઉજવણી શરૂ થઈ છે, જે તા. ૧૭ ઓગસ્ટ સુધી ચાલશે.
તા. ૧૫મી ઓગસ્ટે ઠેર ઠેર ધ્વજ વંદન થનાર છે ત્યારે ઘરે ઘરે તિરંગા પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંદાજે ૮૨ હજાર તિરંગાનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને માર્ગ- મકાન સહિતની વિવિધ કચેરીઓને તિરંગા વિતરણ કરવા માટે આપ્યા હતા. જે અંતર્ગત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જાહેર માર્ગો ઉપર તિરંગાનું વિતરણ કરાતા શહેરીજનો ખૂબ જ ઉત્સાહભેર તિરંગો લેવા માટે ઉમટ્યા હતા.
નવ દિવસ સુધી ચાલનારા આ ‘‘સ્વતંત્રતા સપ્તાહ’’ અંતર્ગત જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, પાલિકા, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ ‘‘હર ઘર તિરંગા, વંદે માતરમના ૧૫૦ વર્ષ’’ની થીમ પર વિવિધ ઉજવણી પણ થઈ રહી છે. ત્યારે ૧૫મી ઓગસ્ટે દરેક ઘર પર દેશની આન, બાન અને શાન સમાન તિરંગો લહેરાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયુ છે.
