ગુજરાત એલર્ટ | વલસાડ
ફલધરા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિર્માણ કરાયેલા પાંચ શૌચાલયોનું અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અતુલ કંપનીનાં અધિકારીઓ, શાળાનાં આચાર્ય શ્રીમતી સરસ્વતીબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી જિજ્ઞાબેન,ગામનાં સરપંચ શ્રી ઈલેશભાઈ, શાળાનાં મંડળનાં પ્રમુખ શ્રી ધીરુભાઈ, શાળાનાં શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળાનાં આચાર્ય શ્રીમતી સરસ્વતીબેને અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અતુલ કંપની દ્વારા આપવામાં આવેલી આ સુવિધાથી શાળાનાં વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. તેમને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે તેમજ તેમના આરોગ્ય અને દૈનિક જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે.
શ્રી ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું કે શિક્ષણ અને સ્વચ્છતાના ક્ષેત્રમાં સમાજને ઉપયોગી સેવાકીય કાર્યો માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને સામાજીક જવાબદારીનાં ભાગરૂપે ભવિષ્યમાં પણ આવા લોકોપયોગી કાર્યો કરવા માટે તત્પર છે.
શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષકગણ તેમજ વિધાર્થીઓએ આવી સારી સુવિધા આપવા બદલ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
