ખંડણી કેસનો આરોપી ઇન્ફ્લુએન્સર નંબર પ્લેટ વગરની કારમાં પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે દંડ ફટકાર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના સોશિયલ મીડિયા જગતમાં ચર્ચાસ્પદ બનેલા “વલસાડવાસી” નામના ઇન્સ્ટાગ્રામ પેજ સાથે સંકળાયેલા ઇન્ફ્લુએન્સર નિકુંજ સરદારસિંહ મીના ખંડણીના કેસમાં આગોતરા જામીન મેળવ્યા બાદ ગતરોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસ સમક્ષ હાજરી આપવા પહોંચેલા નિકુંજ મીના પોતાની બ્લેક કલરની બ્રેઝા કારમાં આવ્યો હતો, પરંતુ કાર પર નંબર પ્લેટ ન હોવા તેમજ આરટીઓના નિયમો વિરુદ્ધ ડાર્ક ફિલ્મ લગાડવામાં આવી હોવાનું રૂરલ પીઆઈ એસ. એન. ગડ્ડુના ધ્યાનમાં આવતા તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં કાર નંબર GJ-15-CP-0096 ના માલિક નિકુંજ મીના સામે નંબર પ્લેટ ન લગાડવા તથા ડાર્ક ફિલ્મ લગાડવાના ગુનામાં ₹1,000 નો ઓનલાઈન દંડ ફટકાર્યો હતો.

આ દરમિયાન વલસાડ રૂરલ પોલીસે કોપીરાઇટ ક્લેમના બહાને રૂપિયા 10 લાખની ખંડણી માંગવાના ગંભીર આરોપ અંગે નિકુંજ મીનાની મોડી રાત સુધી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કેસમાં હજુ પણ એક મહત્વપૂર્ણ કડી બાકી છે.
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ વોટ્સએપ મારફતે પૈસાની માંગણી કરનાર +66838401919 નંબરનો ઉપયોગ કરનાર ત્રીજા આરોપીની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. આ વ્યક્તિ કોણ છે, કયા દેશનો છે અને ખંડણીના સમગ્ર કાવતરામાં તેની શું ભૂમિકા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ હવે નિકુંજ મીનાની વધુ પૂછપરછ કરીને આ અજાણ્યા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ કેસનો અન્ય આરોપી શ્રેયાંસ યાદવ હજુ ફરાર છે તેને કોણે છુપાવ્યો છે અને કોણે કોણે મદદ કરી છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ હાઈ-પ્રોફાઇલ ખંડણી કેસમાં આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!