કેવી રીતે પોલીસ મૃત્યુના મુખમાંથી 35 મુસાફરોને ખેંચી લાવી: નાનાપોંઢામાં પોલીસની અદમ્ય હિંમતની દાસ્તાન

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ત્યારે નાનાપોંઢા વિસ્તારમાં બનેલી એક ઘટના આજે પણ સાંભળનારને ધ્રુજાવી દે તેવી છે. સિહોરી ટ્રાવેલ્સની બસ અચાનક પૂરના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. બસમાં 35 મુસાફરો સવાર હતા અને પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કોઈપણ ક્ષણે બસ તણાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ દરમિયાન અનેક બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં SDRF સહિતની ટીમો સમયસર સ્થળ સુધી પહોંચી શકી નહોતી. બીજી તરફ ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ કરવાની પણ કોઈ શક્યતા નહોતી. દરેક મિનિટ સાથે મુસાફરોના જીવનું જોખમ વધી રહ્યું હતું.

આ કપરા સંજોગોમાં વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને વાપી ડીવાયએસપી દવેના સતત માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એન. કાતરિયા અને તેમની ટીમે સતત કેવી રીતે ઓપરેશન પાર પાડવું તેનો વિચાર કર્યો હતો. અંતે કોઈ વિકલ્પ ન જણાતા જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લીધો. સ્થાનિક ગ્રામજનો પણ પોલીસની સાથે ખભેખભા મિલાવી બચાવ કાર્યમાં જોડાયા.

પી.આઈ. એમ. એન. કાતરિયા સાથે થયેલી વાતચીત મુજબ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પ્રવાહ અત્યંત વેગીલો હતો. આવી જીવલેણ પરિસ્થિતિમાં પોલીસ જવાનોએ પોતાના શરીરને દોરડાથી બાંધીને પૂરના પાણીમાં પ્રવેશ કર્યો. પાણીના પ્રચંડ પ્રવાહ સામે લડીને તેઓ બસ સુધી પહોંચ્યા. ત્યારબાદ પાણીનો પ્રવાહ બસ ન ખેંચી જાય તે માટે બસની બારીઓ ખોલી દીધી. મુસાફરોને એક પછી એક બસની ઉપર ચઢાવ્યા. ત્યારબાદ દોરડાના સહારે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની અતિ જોખમી કામગીરી હાથ ધરી.

આ સમગ્ર બચાવ કામગીરી દરમિયાન પોલીસ જવાનોનો પોતાનો જીવ પણ સતત જોખમમાં હતો. જો દોરડું તૂટી જાય અથવા પાણીનો પ્રવાહ અચાનક વધી જાય તો તેઓ પણ પૂરના પાણીમાં વહી જાય તેવી પૂરી શક્યતા હતી. છતાં કોઈ પણ જવાને પોતાના જીવની ચિંતા કર્યા વગર માત્ર એક જ ધ્યેય રાખ્યો હતો “દરેક મુસાફરને જીવતા બચાવવાનો.”
પોલીસ, ગ્રામજનો અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોના પરિણામે બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન એસ.પી. યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી દવે સતત પરિસ્થિતિ પર નજર રાખી માર્ગદર્શન આપતા રહ્યા હતા, જેના કારણે રેસ્ક્યુ કામગીરી વધુ અસરકારક રીતે પાર પડી હતી.
આ બહાદુરીભર્યા બચાવ બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં નાનાપોંઢા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ‘ખાખી’ માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવતી નથી, પરંતુ જરૂર પડે ત્યારે પોતાના જીવની પણ પરવા કર્યા વગર લોકોના જીવનની રક્ષા કરવા માટે સૌથી આગળ રહે છે.

SDRF પણ પહોંચી ન શકી, ત્યારે પોલીસ અને ગ્રામજનો બન્યા જીવદાતા
ઘટના સમયે રસ્તાઓ પર પૂરનું પાણી ફરી વળતાં SDRF સહિતની અનેક બચાવ ટીમો સ્થળ સુધી પહોંચી શકી નહોતી. ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ પણ શક્ય નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં નાનાપોંઢા પોલીસે સ્થાનિક ગ્રામજનો સાથે મળીને જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને 35 મુસાફરોના જીવ બચાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!